Sugam Digital Gujarat Portal Down: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા માર્ચ 2026માં ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી સુગમ ડિજિટલ ગુજરાત પહેલ પ્રારંભિક તબક્કામાં જ પ્રશ્નો હેઠળ આવી રહી છે. નાગરિકોને સરળ અને ઝડપી સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ કરાયેલી આ યોજના હાલ વહીવટી ઢીલાશના કારણે મુશ્કેલીઓમાં મુકાઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ડિજિટલ ગુજરાત પહેલ વિવાદમાં
સરકારની જાહેરાત પ્રમાણે, નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર ઘરેબેઠા જ બધી સુવિધા મળી રહે તે માટે 'સુગમ ઇન્ટરનેટ ડિજિટલ ગુજરાત' અંતર્ગત સૌથી વધુ માગ ધરાવતી 20 સરકારી સેવાઓ સંપૂર્ણપણે ઓનલાઇન કરવામાં આવી હતી.
આ ઓનલાઇન સેવાઓમાં સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતા એસસી, એસટી, ઓબીસી જાતિના પ્રમાણપત્રો, નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ અને ઈ.ડબલ્યુ.એસ પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે.
વાસ્તવિક સ્થિતિ તદ્દન વિપરીત
આ ઉપરાંત, મહેસૂલ વિભાગ હેઠળ આવકના દાખલા અને મહેસૂલી દસ્તાવેજોની પ્રમાણિત નકલો આપવાની વ્યવસ્થા કરાઈ હતી. જ્યારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા નવું રેશનકાર્ડ બનાવવું, નામ ઉમેરવું કે રદ કરવું, વિગતો સુધારવી તેમજ ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવા જેવી સેવાઓ પણ ઓનલાઇન શરૂ કરાઈ હતી. એટલું જ નહીં, કાયદા વિભાગ હેઠળ 'રેડી એફિડેવિટ' જેવી સુવિધા શરૂ કરીને નાગરિકોને વકીલ કે કચેરીઓના ચક્કરમાંથી મુક્તિ અપાવવાનો પ્રયાસ પણ કરાયો હતો.
જોકે, આ તમામ સુવિધાઓ કાગળ પર જ ઉત્તમ સાબિત થઈ રહી છે, કારણ કે વાસ્તવિક સ્થિતિ તેનાથી તદ્દન વિપરીત હોવાનું અરજદારો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો: ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર? ગુજરાત ભાજપમાં અંદરખાને મોટું ઘમસાણ
સમય અને ખર્ચ બચાવવાની આશા ઠગારી
છેલ્લા બે મહિનાથી આવકના દાખલા સહિત અનેક પાયાની સેવાઓ માટે કરવામાં આવેલી ઓનલાઈન અરજીઓ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. અરજી કર્યા બાદ લાંબા સમય સુધી પોર્ટલ પર કોઈ સ્ટેટસ અપડેટ થતું નથી અને સંબંધિત વિભાગ તરફથી સંતોષકારક જવાબ પણ મળતો નથી. વિદ્યાર્થીઓને એડમિશન અને સ્કોલરશિપ માટે તેમજ સામાન્ય નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે આવકના દાખલા અને જાતિ પ્રમાણપત્રોની તાત્કાલિક જરૂર હોય છે. ત્યારે સિસ્ટમની ધીમી ગતિ લોકો માટે ગંભીર સમસ્યા બની છે. કાયદા વિભાગની રેડી એફિડેવિટ સેવા સમય અને ખર્ચ બચાવશે એવી આશા હતી.
અરજીઓ મંજૂર ન થતાં આક્રોશ
પરંતુ અરજીઓ મંજૂર જ થતી ન હોવાથી ડિજિટલ સેવાનો હેતુ અધૂરો રહી ગયો હોવાનું અરજદારોનું કહેવું છે. નાગરિકો હવે માંગ કરી રહ્યા છે કે મુખ્યમંત્રીની આ મહત્વાકાંક્ષી પહેલનો તંત્ર દ્વારા અસરકારક અમલ થાય અને ઓનલાઈન અરજીઓના સમયસર નિકાલ માટે કડક મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવે.


