- 1 લી ફેબુ્રઆરીથી તમાકુની ખરીદી બંધનો નિર્ણય મક્કમ
- તમાકુને 'સિન ગુડ્સ'માંથી હટાવી ખેતપેદાશ ગણાય તો તેના પરનો જીએસટી સ્લેબ ઘટીને 5 ટકા થઈ શકે છે
આણંદ : 'ચરોતર તમાકુ વેપારી એસોસિએશન' અને 'ઓલ ગુજરાત સંગઠન કમિટી' દ્વારા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલને મહત્વની રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી ૧લી ફેબુ્રઆરીથી તમાકુની ખરીદી બંધ રાખવાનો તેમનો નિર્ણય મક્કમ રહેશે.
વેપારી મંડળે સરકાર સમક્ષ તાકક મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તમાકુ એ સીધી રીતે 'સિન ગુડ્સ' નથી. જેવી રીતે દ્રાક્ષ ખેતપેદાશ છે પણ તેમાંથી બનતો દારૂ 'સિન ગુડ' છે, જુવાર ખેતપેદાશ છે પણ તેમાંથી બનતી બિયર 'સિન ગુડ' છે, તેવી જ રીતે તમાકુ એ શુદ્ધ ખેતપેદાશ છે. સિગારેટ, ગુટકા કે અન્ય પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સને સિન ગુડ્સ ગણી શકાય, પરંતુ કાચી તમાકુને ખેતપેદાશની શ્રેણીમાં જ રાખવી જોઈએ. જો તમાકુને સિન ગુડ્સમાંથી હટાવી ખેતપેદાશ ગણવામાં આવે, તો તેના પરનો જીએસટી સ્લેબ ઘટીને ૫ ટકા થઈ શકે છે, જેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે.
નાણામંત્રી અને કમલેશભાઈ પટેલે વેપારીઓ અને ખેડૂતોની ચિંતાને સાંભળી હતી હૈયાધારણ આપી છે કે, ખેડૂતોના હિતમાં સમાધાન મળે તે અંગે પ્રયત્ન કરવા ખાતરી આપી છે. આ આંદોલનમાં માત્ર ચરોતર જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, ઊંઝા, વિજાપુર અને ઉનાવાના વેપારીઓ પણ જોડાયા છે. તેમજ જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તમાકુનું ખરીદ-વેચાણ, લોડિંગ અને કારખાના સંપૂર્ણપણે બંધ રાખવામાં રાખી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે.


