Gujarat

મોરબીના લીલાપર રોડ પર નાળાની દીવાલ મામલે રસ્તા રોકો આંદોલન

By GS Team
24 Nov 20192 mins read
This article was originally published on 24 Nov 2019
મોરબીના લીલાપર રોડ પર નાળાની દીવાલ મામલે રસ્તા રોકો આંદોલન

મોરબી, તા. 24 નવેમ્બર 2019 રવિવાર

મોરબીના લીલાપર રોડ પર આવેલા નાળાની દીવાલ ન હોવાથી અનેક અકસ્માતો સર્જાય છે. અવારનવાર ગાયો ખાબકવાની ઘટના બાદ ગત રાત્રિના રિક્ષા નાળામાં ખાબકી હતી, જેથી સ્થાનિક લોકોએ રવિવારે રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ દર્શાવ્યો હતો.

લીલાપર રોડ પર બોરીચાવાસ નજીક આવેલા નાળાની દીવાલ વર્ષોથી તૂટેલી છે. ખુલ્લા નાળા પરથી પસાર થતા રોડ પર અનેક અકસ્માતો થાય છે, એટલે લોકોમાં રોષ અને ભયની લાગણી વ્યાપી હતી. જેથી આજે યુવાનોએ રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો હતો. 

યુવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા બે માસમાં ત્રણથી ચાર ગાય અહી નીચે ખાબકી છે. તો શનિવારે રાત્રીના સમયે એક રિક્ષા પણ પડી હતી. જોકે સદ્નસીબે કોઈ જાનહાની થઇ નથી, પરંતુ રિક્ષામાં નુકસાની થઇ છે. તો અહીંથી પસાર થતા વાહનચાલકો માથે સતત અકસ્માતનો ભય ઝળૂંબે છે.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

અગાઉ અનેક વખત પાલિકા તંત્રને દીવાલ બનવવા લેખિત રજૂઆત કરી છે છતાં પગલાં ભરાયાં નથી. જેથી આજે લોકોએ તંત્ર દ્વારા ખાતરી ના મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા નિર્ધાર કર્યો હતો. રસ્તા રોકો આંદોલનની જાણ થતાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પહોંચ્યા હતા અને સ્થળ પરથી જ પાલિકા પ્રમુખ સાથે સંપર્ક કરીને બાદમાં આંદોલન કરનાર યુવાનોને ખાતરી આપી હતી. 

સોમવારે દીવાલનું કામ શરૂ કરાવી દેવાની ખાતરી મળતાં હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે.જોકે પાલિકા તાકીદે દીવાલનું કામ નહિ કરાવે તો વધુ ઉગ્ર લડત ચલાવવાની યુવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.