Get The App

જામનગરના યુવાનના ઘર પર તેની પત્ની-સાળી અને સાસુનો પથ્થરમારો : ધાક ધમકી આપ્યાની ફરિયાદ

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના યુવાનના ઘર પર તેની પત્ની-સાળી અને સાસુનો પથ્થરમારો : ધાક ધમકી આપ્યાની ફરિયાદ 1 - image

Jamnagar Crime : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને ખાનગી ફાઈનાન્સ કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા વસિમ હાજીભાઈ ખફી નામના 35 વર્ષના સુમરા યુવાને પોતાના ઘર ઉપર પથ્થરમારો કરી હંગામો મચાવવા અંગે અને ઘરમાંથી રૂપિયા 40 હજારની રોકડ રકમ તથા સોનાના દાગીના તેમજ જરૂરી ડોક્યુમેન્ટ ઉઠાવી જવા અંગે પોતાની જ પત્ની શહેનાજ વસીમભાઈ ખફી, સાસુ રસીદાબેન ગુલઝાર ખફી તેમજ સાળી અંજુમ અનવર કાસમ ખફી સામે ફરિયાદ નોંધાવી છે.

ઉપરાંત પોતાને જો તલાક આપી દેવા હોય તો 10 લાખ રૂપિયા સમાધાનના ભાગરૂપે આપવા પડશે, તેવી ધાક ધમકી આપવા અંગે પોતાના જ સાળા અને પૂર્વ મહિલા કોંગી કોર્પોરેટર મરીયમબેનના પુત્ર અનવર કાસમ ખફી, અને તેના ભાઈ ઈકબાલ ખફી સામે પણ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વસીમભાઈ ખફી કે જેના લગ્ન આજથી સાત વર્ષ પહેલા આરોપી શહેનાઝબેન સાથે થયા હતા, અને એક સંતાન પણ થયું હતું. પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી શહેનાઝબેન કે જે પોતાના સાઢુભાઈ અનવર કાસમભાઈ ખફી સાથે બોલવા ચાલવાનો વ્યવહાર રાખતી હોવાથી તે પસંદ નહિ પડતાં શહેનાઝબેન પોતાના પુત્રને સાથે લઈને પોતાની નાનીબેન અંજુબેનના ઘેર રહેવા ચાલી ગઈ છે.

ગઈકાલે પત્ની સાળી અને સાસુ વગેરે ફરિયાદીના ઘરમાં ઘુસી આવ્યા હતા, અને પથ્થરમારો કરી ઉપરોકત રોકડ, દાગીના અને ડોક્યુમેન્ટ લઈ ગયા હતા, તેમજ સાઢુભાઈએ પણ તેના ભાઈ સાથે મળીને ધાકધમકી આપી હતી, જેથી પોલીસ ફરિયાદ નોંધાવી છે.