Get The App

૧૪ વર્ષની પુત્રી સાથે દુષ્ક્મ ગુજારનારા સાવકા પિતાને આજીવન કેદની સજા

માતાએ પુત્રીની વાત પર વિશ્વાસ ન મુકતા કોર્ટે માતાની ભૂમિકા અંગે પણ ખેદ વ્યક્ત કર્યા

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
૧૪ વર્ષની પુત્રી સાથે દુષ્ક્મ ગુજારનારા સાવકા પિતાને આજીવન કેદની સજા 1 - image

વડોદરા : ૧૪ વર્ષની સગીર પુત્રી પર વારંવાર દુષ્કર્મ ગુજારનારા સાવકા પિતાને દુષ્કર્મ કેસમાં કસુરદાર ઠેરવી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, પિતાએ દીકરી માટે સુરક્ષાનું કવચ હોય છે, પરંતુ અહીં આરોપીએ તે અતૂટ વિશ્વાસની હત્યા કરી છે.ન્યાયાધીશે સગીરાને વળતર પેટે ૨ લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, વડોદરામાં રહેતા આરોપીએ વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ દરમિયાન જ્યારે પત્ની નોકરી પર જતી ત્યારે તે સગીર સાવકી પુત્રીને ડરાવી-ધમકાવી વારંવાર દુષ્કર્મ આચરતો હતો. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સગીરાની નાનીએ આરોપીને શંકાસ્પદ હાલતમાં જોયો અને ત્યારબાદ સગીરાએ પોતાની આપવીતી જણાવી હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલે એન.યુ.મકવાણાએ દલીલો કરતા જણાવ્યું હતું કે, રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે તે સમાજ માટે સૌથી મોટો ખતરો છે.

ભોગ બનનાર સગીરાની જુબાની અને મેડિકલ રિપોર્ટને કોર્ટે મુખ્ય પુરાવા તરીકે ગ્રાહ્ય રાખ્યા હતા.  આ કેસનો ચુકાદો આપતા ન્યાયાધીશે માતાની ભૂમિકા અંગે પણ ખેદ વ્યક્ત કર્યો કે તેણે પુત્રીની વાત પર વિશ્વાસ ન કરીને આરોપીને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે આવા ગંભીર પ્રકારના ક્રાઇમમાં કોઈ પણ પ્રકારની ઉદારતા દાખવી શકાય નહીં, કારણ કે તે સમાજના નૈતિક મૂલ્યોને હચમચાવી નાખનારો ગુનો છે.