Get The App

બરવાળાના ખાંભડા ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલે 16,820 વિદેશી દારૂની બોટલ ઝડપી

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
બરવાળાના ખાંભડા ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલે 16,820 વિદેશી દારૂની બોટલ ઝડપી 1 - image

- ખાંભડા ગામે એસએમસીનો દરોડો, બરવાળા પોલીસ ઉંઘતી ઝડપાઈ

- ખુલ્લી જગ્યામાં દારૂ કટિંગ થઈ રહ્યો હતો, એસએમસીને હાથતાળી આપી બુટલેગર ફરાર

બરવાળા : બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી કટિંગ થઈ રહેલા દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. એસએમસીએ રૂ.એક કરોડથી વધારેની કિંમતની વિદેશી દારૂની કુલ ૧૬ હજાર કરતા વધારે બોટલ ઝડપી લીધી છે. જ્યારે રેઈડ દરમિયાન એસએમસીના અધિકારીઓને થાપ આપી બુટલેગરો નાસી છૂટયા હતા.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા ગામે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂ બહારથી લાવી કટિંગ થઈ રહ્યો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડયો હતો. જ્યાં પોલીસને જોઈને બુલટલેગરો ફરાર થયાં હતા. બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલે અહીંથી રૂ.૧,૨૮,૮૪,૭૦૦ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૧૬,૮૨૦ બોટલ તથા ટ્રક, કાર, પીકઅપ વાહન અને બાઈક સહિત રૂ.૫૨,૧૦,૦૦૦ની કિંમતના કુલ પાંચ વાહનો સહિત કુલ રૂ.૧,૮૦,૯૫,૨૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના પોલીસ મથકમાં દારૂ મંગાવનાર હિતેન્દ્ર ઉર્ફે મુન્નો અનકુભાઈ ખાચર (રહે.ખાંભડા), વિજય રવુભાઈ બોરીચા (રહે.રાયપર, તા.ગઢડા), દારૂનો જથ્થો મોકલનાર, જીજે-૦૧-કેએમ-૦૦૦૧ અને જીજે-૧૩-એએમ-૭૧૧૩ નંબરની કારના માલિક તથા જીજે-૩૭-ટી-૨૪૨૫ અને જીજે-૧૯-વાય-૦૪૮૮ નંબરના પીકઅપ વાહનના માલિક, જીજે-૧૨-બીવી-૯૯૮૬ નંબરના ટ્રકના માલિક તથા ડ્રાઈવર અને જીજે-૩૩-જે-૪૬૯૨ નંબરની બાઈકના માલિક સામે ગુનો નોંધી આગળની તપાસ આપી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બરવાળા પંથકમાંથી આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી લેતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ છે.