Get The App

ગેરકાયદે વ્હાઈટ એલઈડી હેડલાઈટ લગાડનારા વાહનચાલકો સામે વિશેષ ડ્રાઈવ

રાત્રિ દરમ્યાન આંખ અંજાઈ જવાથી અકસ્માત વધતા આરટીઓની કાર્યવાહી, ૧૫૯ કેસો કરી ૧.૫૬ લાખ દંડ વસૂલાયો

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
ગેરકાયદે વ્હાઈટ એલઈડી હેડલાઈટ લગાડનારા વાહનચાલકો સામે વિશેષ ડ્રાઈવ 1 - image

વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરિપત્ર કરીને વ્હાઈટ એલઈડી લગાવીને સામેવાળાની આંખો આંજી દેતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. જેના પગલે વડોદરા આરટીઓ દ્વારા રાત્રી ડ્રાઇવ ચલાવવામાં આવી છે અને છેલ્લા એક મહિનાની ડ્રાઇવમાં ૧૫૯ વાહનચાલકોને રૂ. ૧.૫૯ લાખ દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય અન્ય નિયમભંગના ૧૭૮૦ કેસો મળી કુલ રૂ.૬૫,૪૧,૯૯૫નો દંડ વસૂલવામાં આવ્યો છે.

વાહનો પર ખાસ કરીને ફોર વ્હીલરમાં અનઅધિકૃત અને નિયમવિરુદ્ધ અતિ તીવ્ર વ્હાઈટ એલઈડી હેડલાઈટ લગાવવાના કારણે સામેથી આવતા વાહનચાલકોની આંખો અંજાઈ જાય છે, જેના પરિણામે રાત્રિના સમયે જીવલેણ અકસ્માતોની સંભાવના વધી છે.

અનેક વાહનચાલકો શોખ કે વાહનને વધુ સ્ટાઇલિશ બનાવવા માટે કંપની દ્વારા નિર્ધારિત સ્ટાન્ડર્ડ સિવાયની લાઈટ્સ લગાવે છે, જે સામેથી આવતા વાહનચાલકો માટે વધુ ખતરનાક સાબિત થાય છે. વધુ રોશનીના બહાને વાહનોમાં એલઈડી લાઈટ્સ રેટ્રોફિટ કરવાની પ્રવૃત્તિ મોટર વાહન અધિનિયમનો સીધો ભંગ ગણાય છે.

આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખી વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા ગેરકાયદે વ્હાઈટ એલઈડી લાઈટ લગાડનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. જેને ધ્યાને લેતા વડોદરા આરટીઓ વિભાગે ગઈ તા. ૧ જાન્યુઆરીથી તા. ૩૧ જાન્યુઆરી દરમિયાન વડોદરા આરટીઓ વિભાગે એલઈડી લાઈટ અંગે ૧૫૯ કેસો કરી વાહનચાલકોને રુ.૧.૫૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ ઉપરાંત ઓવરલોડના - ૨૨૨ કેસો સાથે રુ. ૨૭,૦૭,૫૦૦, ઓડીસી (ઓવર ડાયમેન્શનલ)ના - ૮૬ કેસો સાથે રુ.૩.૫૭ લાખ તથા પરમિટ, ઓવરસ્પીડ, ફિટનેસ સહિત અન્ય-૧૩૧૬ કેસો સાથે રુ.૩૩, ૨૧,૪૯૫નો દંડ વસૂલાયો હતો.