Jamnagar News : દક્ષિણ કોરિયાની એરફોર્સની પ્રખ્યાત એરોબેટિક ટીમ ‘બ્લેક ઈગલ્સ’ (Black Eagles) ના નવ વિમાનો જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાઉથ કોરિયાની 'બ્લેક ઈગલ્સ' ટીમના 9 ફાઈટર જેટ અને 1 ટ્રાન્સપોર્ટ વિમાને સાઉદી અરેબિયા જતા રસ્તામાં જામનગર એરફોર્સ સ્ટેશન પર વિસામો લીધો હતો. 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન રોકાયેલા આ કાફલાને ભારતીય વાયુસેનાએ ફ્યુલ અને ટેકનિકલ મદદ પૂરી પાડી હતી.આ કાફલાએ આરામ અને ઈંધણ ભરવા માટે જામનગરમાં ટ્રાન્ઝિટ હોલ્ટ (વચગાળાનો વિરામ) લીધો હતો.
સાઉદી અરેબિયાના એર શોમાં આપશે પ્રદર્શન
આ 9 T-50 ગોલ્ડન ઈગલ વિમાનો સાઉદી અરેબિયા જઈ રહ્યા છે. આ ટીમ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રિયાધમાં યોજાનારા ‘વર્લ્ડ ડિફેન્સ શો 2026’ માં પોતાનું શાનદાર એરોબેટિક પ્રદર્શન રજૂ કરશે. સપોર્ટ સ્ટાફને લઈ જતું એક C-130 ટ્રાન્સપોર્ટ પ્લેન પણ આ કાફલા સાથે ઉડી રહ્યું હતું, જ્યારે અન્ય બે C-130 વિમાનો રાત્રે પાછળથી જોડાવાના હતા.

જામનગર એરફોર્સ સ્ટેશનનો સહયોગ
દક્ષિણ કોરિયન એરફોર્સના જવાનો સહિતની આ ટીમ રવિવારે સવારે નાગપુર પહોંચી હતી. નાગપુરથી ઉડ્યા બાદ આ ટીમ જામનગર ખાતે આવી પહોંચી હતી. ભારતીય વાયુસેના (IAF) એ આ ટીમને ઉતરાણ, ટેકનિકલ સુવિધાઓ, કસ્ટમ્સ અને ઈમિગ્રેશન માટે સંપૂર્ણ સહયોગ પૂરો પાડ્યો હતો. આ ટીમ 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન નાગપુર એરફોર્સ સ્ટેશન પર રોકાઈ હતી.
સુધરતા સંબંધોના સંકેત
આ વિમાનો લાંબા અંતર સુધી સતત ઉડી શકતા ન હોવાથી, રસ્તામાં અલગ-અલગ એરપોર્ટ પર રોકાણ કરે છે. અહેવાલો મુજબ, આ કાફલાએ જાપાનમાં પણ ઈંધણ ભરવા માટે વિરામ લીધો હતો. જાપાનમાં બ્લેક ઈગલ્સને રિફ્યુલિંગ સપોર્ટ મળ્યો હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે, જે બંને દેશો વચ્ચેના સુધરતા સંબંધોનો સંકેત આપે છે. નોંધનીય છે કે, ગયા વર્ષે જાપાન દ્વારા રિફ્યુલિંગની મનાઈ કરવાને કારણે આ ટીમ દુબઈ એર શોમાં ભાગ લઈ શકી ન હતી.



