Get The App

મોરબીમાં વેપારીની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં સોની બજાર સજ્જડ બંધ

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
મોરબીમાં વેપારીની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં સોની બજાર સજ્જડ બંધ 1 - image

- હત્યારાને કડક સજાની માંગ સાથે સોની વેપારીઓએ આવેદન આપ્યું

- લગ્નસરાની સીઝન વચ્ચે જ્વેલર્સની દુકાનોને તાળા વાગતા ખરીદી અટકી : ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગર : મોરબીમાં સોની વેપારી જતીનભાઈની સરેઆમ હત્યાની ઘટનાને પગલે સમગ્ર ગુજરાતના સોની સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કાયરતાપૂર્ણ ઘટનાના વિરોધમાં સુરેન્દ્રનગર સોની સમાજ દ્વારા આજે સજ્જડ હડતાલ પાડવામાં આવી હતી. જિલ્લાની તમામ જ્વેલર્સની દુકાનો બંધ રાખી વેપારીઓએ એકજૂથ થઈ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. 

ગત ૨૦ ફેબુ્રઆરીના રોજ રાજકોટથી મોરબી જતી વખતે એક ફોર વ્હીલ કાર અને એક્સેસ મોટરસાઈકલ વચ્ચે વાહન ઓવરટેક કરવા બાબતે અચાનક બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલીમાં એક્સેસ પર સવાર બે સગીર વયના શખ્સોએ ઉશ્કેરાઈ જઈને જતીન સોની પર છરી વડે હુમલો કર્યોે હતો અને ઉપરાછાપરી ત્રણ જેટલા ઘા ઝીંકી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં જતીન સોનીનું મોત નીપજ્યું હતું.

સુરેન્દ્રનગર સોની સમાજના ટ્રસ્ટી વૈભવભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં વેપારીઓ સુરક્ષિત નથી, તે ચિંતાનો વિષય છે. લુખ્ખા તત્વો પર ગૃહ વિભાગ એવો દાખલો બેસાડે કે ફરી આવી હિંમત કોઈ ના કરે.' હાલમાં લગ્નગાળાની સીઝન હોવા છતાં, સમાજના આશાસ્પદ યુવકને ન્યાય અપાવવા વેપારીઓએ આથક નુકસાન વેઠીને પણ વેપાર-ધંધા બંધ રાખ્યા છે. આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે પકડાયેલા બંને સગીર આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા કરવામાં આવે. જો આગામી દિવસોમાં પરિવારને યોગ્ય ન્યાય નહીં મળે, તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સોની સમાજના અગ્રણીઓ દ્વારા આપવામાં આવી છે.