વડોદરાઃ ગેસ સિલિન્ડરનો કાળો કકળાટ ચાલી રહ્યો છે ત્યારે ન્યુ વીઆઇપી રોડ પર એક મકાનમાં ગેસ રીફિલિંગ કરવાનું કૌભાંડ પકડાતાં પોલીસ અને પુરવઠા અધિકારીઓ ચોંકી ઉઠયા છે.
ગેસ સિલિન્ડરની અછત અને ગેસ એજન્સી પર ગ્રાહકોની કતારોના માહોલ વચ્ચે એસઓજી સહિતની પોલીસ દ્વારા પણ સંગ્રહાખોરો પર ખાનગી રાહે વોચ રાખવામાં આવી રહી છે.જે દરમિયાન ન્યુ વીઆઇપી રોડ પર પોલીસને ગેસ સિલિન્ડનો ગેરકાયદે જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
રેવડીયા મહાદેવ મંદિર સામે ગેસ રીફિલિંગ કરવામાં આવતું હોવાની વિગતોને પગલે એસઓજીના પીઆઇ જિગ્નેશ ગામીત અને ટીમે દરોડો પાડતાં એક મકાનમાંથી ૪ કોમર્શિયલ અને ૨૬ ઘરેલુ ગેસ સિલિન્ડરો મળી આવ્યા હતા.પોલીસે મકાનમાંથી સાર્દુલ ભોયાભાઇ ભરવાડ(૪૬ વર્ષ)ને ઝડપી પાડતાં તે રામદેવ ગેસ એજન્સીમાં ડિલિવરી મેન તરીકે ટેમ્પો ચલાવતો હોવાની વિગતો ખૂલી હતી.
સાર્દુલ ગેસ ડિલિવરી માટેના બોટલ ગ્રાહકને આપતાં પહેલાં પોતાને ઘેર લાવી તેમાંથી કોમર્શિયલ બોટલમાં થોડોથોડો ગેસ ભરી સિલિન્ડર તૈયાર કરતા હોવાની વિગતો જાણવા મળતાં તેની અટકાયત કરવામાં આવી હતી.દરમિયાનમાં સાર્દુલના મકાનથી આશરે ૫૦૦ મીટર દૂર પણ પોલીસને ૧૨ કોમર્શિયલ સિલિન્ડર બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.જેથી હરણી પોલીસે બંને બનાવ એક જ છે કે અલગ અલગ છે તેની તપાસ આદરીછે.
રીફિલિંગ કૌભાંડમાં પોલીસે શું કબજે કર્યું
- રામદેવ ગેસ એજન્સીના સિલિન્ડરોની ડિલિવરી માટેનો થ્રીવ્હીલ ટેમ્પો
- ઘરેલુ ગેસ સિલિન્ડર નંગ-૨૬
- કોમર્શિયલ ગેસ સિલિન્ડર નંગ-૪
- કોમર્શિયલ ગેસ સિલિન્ડર નંગ-૧૨(જે કોણ મુકી ગયું છે તેની તપાસ ચાલી રહી છે)
- મોબાઇલ નંગ-૧
- દોરી સાથે ઠાંકણા-૨૫ નંગ
- વજન કાંટો
- રીફિલિંગના સાધનો
- ડિલિવરી ચલણ-૧૭,આધારકાર્ડ, લાઇટ બિલ મળી કુલ રૃ.૧.૩૫ લાખનો મુદ્દામાલ કબજે.


