Get The App

જામનગર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબોને પકડી પાડવા માટે એસ.ઓ.જી શાખાનું સર્ચ ઓપરેશન

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબોને પકડી પાડવા માટે એસ.ઓ.જી શાખાનું સર્ચ ઓપરેશન 1 - image

જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે કેટલાક બોગસ તબીબો ચેડા કરી રહ્યા છે,  તેવી માહિતીના આધારે એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ગઈકાલે જામનગર તાલુકાના દરેડ, સચાણા ઉપરાંત મેઘપર પંથકમાં દરોડાઓ પાડ્યા હતા, અને એકી સાથે ચાર બોગસ તબીબોને ઝડપી લીધા છે, અને તેઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ગઈકાલે સૌપ્રથમ સચાણા ગામમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જયાં વલીમામદ અહમદભાઈ કક્કલની ઓરડી ભાડે રાખીને દવાખાનું ચલાવી રહેલા મૂળ પશ્ચિમ બંગાળના વતની મધુમંગલ આનંદભાઈ બિશ્વાસ નામના બોગસ તબીબ ને ઝડપી લીધો હતો.

જે પોતાના પાસે કોઈપણ પ્રકારની મેડિકલ ને લગતી ડીગ્રી ન હોવા છતાં ગરીબ દર્દીઓને તપાસી લઈ તેના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો મળી આવ્યો હતો. 

જેથી તેની દુકાનમાંથી મેડિકલ પ્રેક્ટિસ ને લગતા સાધનો કબજે કરી લીધા છે, અને તેની સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ 1963ની કલમ 30 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.

આ ઉપરાંત જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક ભાડાની ઓરડીમાં દવાખાનું ચલાવી રહેલા જગદીશ હમીરભાઈ મકવાણા નામના શખ્સ ને પણ ઝડપી લીધો હતો. જેની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં મેડીકલ પ્રેક્ટિસ કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી તેની સામે પણ પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.

એસ.ઓ.જી.ની ટુકડીએ લાલપુર નજીક મેઘપર ગામમાં પણ જુદા જુદા બે સ્થળોએ દરોડા પાડ્યા હતા, અને ત્યાંથી પ્રોવાસ નિત્યાનંદ બિશ્વાસ નામના પશ્ચિમ બંગાળના એક શખ્સ તેમજ મિલ્ટન રતનભાઇ બિશ્વાસ નામના  બે બોગસ તબીબો ને પણ ઝડપી લીધા હતા. તેઓ બંને સામે પણ  પડાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને તેઓના દવાખાનામાંથી પણ મેડિકલ પ્રેક્ટિસ અંગેના જરૂરી સાધનો અને દવાઓનો જથ્થો કબજે કર્યો છે.