ટીંટોઇમાં તસ્કરો બેફામ : દુકાન અને મકાનો સહિત 8 સ્થળોએ તાળાં તૂટયા

મોડાસા,તા. 30
મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે સતત બીજા દિવસે તસ્કરોએ ગામના ૬
મકાનો,એક મોલ અને
એક કરીયાણાની દુકાન સહિત ૮ જગ્યાએ તાળા તોડી ચોરીનો પ્રયાશ કરતાં ગ્રામજનો ફફડી ઉઠયા
હતા.અને ગામમાં પોલીસ બંદોબસ્ત વધારવા,તસ્કરોને
ઝડપી લેવા અને ગ્રામજનો અને તેમની મિલકતોને રક્ષણ પુરૂ પાડવાની માંગ સાથે જિલ્લા પોલીસવડાને
આવેદનપત્ર અપાયું હતું.
એક તરફ રાજય સરકાર દ્વારા સુશાસન સપ્તાહ ઉજવણી હાથ ધરાઈ રહી
છે. જિલ્લામાં રોજ એક મંત્રી કે અગ્રણી,પદાધિકારીની
હાજરીમાં ઉજવણી કરાતી હોય પોલીસની ગાડીઓની સાઈરનોથી પંથક ધમધમી ઉઠયો છે, ત્યારે બીજી તરફ તકનો
ગેરલાભ ઉઠાવી તસ્કરો જિલ્લામાં તરખાટ મચાવી રહયા છે. છેલ્લા એક અઠવાડીયામાં મોકળું
મેદાન ભાળી ગયેલા તસ્કરોએ મંદિરો,દરગાહો,મકાનો,દુકાનો સહિતના ૧૮
જેટલા સ્થળોએ તાળા તોડી અંદાજે રૂ.૩ લાખથી વધુની મત્તા ચોરી હાહાકાર મચાવ્યો છે.
મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે તસ્કરો દ્વારા ગત મંગળવારની રાત્રે
બે દુકાનો,એક મદિર,એક દરગાહ અને એક મકાનના
તાળા તોડી આશરે રૂ.૩૭ હજારની મત્તા ચોરી હોવાની ચકચારી ઘટનાના સતત બીજા દિવસે તસ્કર
ટોળકી ફરી ગામમાં ત્રાટકી હતી.અને બુધવારની રાત્રે ૧ મોલ,૧ કરીયાણાની
દુકાન અને ૬ મકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાશ કર્યો હતો.આમ ટીંટોઈમાં તસ્કરોએ ધામા
નાખ્યા હોય અને પોલીસને ખુલ્લો પડકાર ફેકાઈ રહયો હોય એમ તસ્કરો બેફામ બન્યા છે,અને રાત્રે ત્રાટકી
તાળા- નકુચા તોડી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહયા હોય ગ્રામજનો,વેપારીઓ ફફડી ઉઠયા
છે. ગામના વેપારી યુનુસભાઈ મોડાસીયા અને અગ્રણી નારાયણભાઈ રાઠોડના જણાવ્યા મુજબ ગામના
કેટલાક સ્થળોએ લગાડેલ સીસીટીવી કેમેરામાં ૪ અજાણ્યા ચોર ઈસમો હાથમાં લાકડીઓ અને મોંઢા
ઉપર બુકાની સાથે કેદ થયા છે. ત્યારે ગ્રામજનોને સત્વરે સલામતી પૂરી પડાય તે જરૂરી બન્યું
છે.
ટીંટોઈ ગામમાં દેવાદિવાળી પર્વે જ ૪ જગ્યાએ ચોરીના બનાવો નોંધાયા
હતા.ત્યાર બાદ ગામમાં અવાર નવાર ઉતરી આવતી આ તસ્કર ટોળકીએ બે દિવસમાં જ દ્યાર્મિક સ્થળો
સહિત ૧૪ જગાએ તાળા તોડી ભય ફેલાવ્યો છે.ત્યારે મોડાસા તાલુકા પંચાયતના વિરોધપક્ષના
નેતા ભાવનાબા ચંપાવત સહિત અગ્રણી ગ્રામજનો દ્વારા ગામમાં પેટ્રોલીંગ વધારવા અને સુરક્ષા
પૂરી પાડવાની માંગ સાથેનું આવેદનપત્ર જિલ્લા પોલીસવડાને ગુરૂવારના રોજ અપાયું હતું.
તસ્કરો મંદિરો અને દરગાહોને પણ નિશાન બનાવી રહ્યા છે
છેલ્લા એક અઠવાડીયામાં તસ્કરોએ શામળાજી પંથકના ધંબોલીયા ગામે
ત્રણ મંદિરોના તાળા તોડી રૂ.૧.૮૫ લાખની મત્તા ચોરી લીધી હતી. જયારે ટીંટોઈ ગામે એક
દરગાહ અને એક મંદિરના તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. ત્યારે આ પવિત્ર સ્થળોએ
ચોરીની ઘટનાથી પંથકના પ્રજાજનોની દ્યાર્મિક લાગણી દુભાઈ રહી છે. ત્યારે તંત્ર ઉજવણીઓમાંથી
સમય કાઢી પ્રજાની વ્હારે આવે તેવી માંગ ઉઠી છે.




