Get The App

અમદાવાદ: ભાડાના ફ્લેટમાં IPL પર સટ્ટો અને દારૂની મહેફિલ, સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બુકીઓની ધરપકડ કરી

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: ભાડાના ફ્લેટમાં IPL પર સટ્ટો અને દારૂની મહેફિલ, સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બુકીઓની ધરપકડ કરી 1 - image

Ahmedabad News: અમદાવાદ સેટેલાઇટ, ઇસ્કોન મેગા મોલ પાછળ આવેલા મારૂતી સેલેડ્રોન એપાર્ટમેન્ટમાં સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે દરોડો પાડીને ત્રણ બુકીઓને આઇપીએલ પર ક્રિકેટ સટ્ટો રમાડતા ઝડપી લીધા હતા. તેમની પાસેથી બ્રાંડેડ દારૂ અને બિયરની 27 બોટલો પણ મળી આવી હતી. રાજકોટમાં હોટલનો વ્યવસાય કરતા વ્યક્તિએ ક્રિકેટ સટ્ટાનો કારોબાર ચલાવવા માટે આ ફ્લેટ ભાડે રાખ્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે સેટેલાઇટ, ઇસ્કોન મેગા મોલ પાછળ આવેલા મારૂતી સેલેડ્રોન એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિ આઇપીએલ પર ક્રિકેટ સટ્ટો બુક કરે છે. જે બાતમીના આધારે પોલીસે શનિવારે સાંજના સમયે દરોડો પાડ્યો હતો. જેમાં દિવ્યરાજસિંહ ઝાલા (રહે. ગોપાલનગર, ઢેબર રોડ, રાજકોટ), ધવલ પંડિત (રહે. હજારી સોસાયટી, સાણંદ) અને ઘનશ્યામ કાનાણી (રહે. વરાછા, સુરત)ને ઝડપી લીધા હતા. આ તમામ લોકો મોબાઇલમાં સટ્ટો બુક કરતા હતા અને પોલીસે ઘરમાં તપાસ કરતા બ્રાંડેડ દારૂની 24 બોટલો અને બિયરના 3 ટીન મળી આવ્યા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે દિવ્યરાજસિંહ રાજકોટ બસ સ્ટેશન પાસે 'આર.આર. ઇન' નામની હોટલ ધરાવે છે. તેણે રાજકોટથી અમદાવાદ અવારનવાર આવવાનું થતું હોવાથી આ મકાન ભાડે લીધું હોવાનું જણાવ્યું હતું, પરંતુ તે અમદાવાદમાં આઇપીએલ પર સટ્ટો રમાડતો હતો. જ્યારે ઘનશ્યામ કાનાણી તેના ડ્રાઇવર તરીકે કામ કરવાની સાથે સટ્ટામાં પણ મદદ કરતો હતો. તેમજ ધવલ પંડિત ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલો હતો અને દિવ્યરાજસિંહ સાથે મળીને સટ્ટાનું નેટવર્ક ચલાવતો હતો. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.