Gujarat

નિયમોના ભંગ બદલ છ સ્કૂલવાન ડિટેઈન, રૃપિયા ૭૦ હજારનો દંડ

By GS TEAM
17 Nov 20252 mins read
નિયમોના ભંગ બદલ છ સ્કૂલવાન ડિટેઈન, રૃપિયા ૭૦ હજારનો દંડ

ગાંધીનગર આરટીઓ દ્વારા ખાસ ઝુંબેશ

વધુ બાળકો બેસાડવારજિસ્ટ્રેશન નહીં કરવા,પીયુસીનો અભાવ સહિતના કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવી

ગાંધીનગર :   દિવાળી બાદ નવું શિક્ષણ સત્ર શરૃ થતાં જ આરટીઓ દ્વારા સ્કૂલ વાન સંચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે. નિયમોની સરેઆમ અવગણના કરીને માસૂમ બાળકોના જીવ જોખમમાં મૂકતા સ્કૂલ વાન ચાલકો પર તંત્રએ ધોંસ બોલાવી છે, જેના ભાગરૃપે છ સ્કૂલવાન ડિટેઈન કરવામાં આવી છે અને માલિકો પાસેથી રીકાઅ રૃપિયા ૭૦ હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે.

દિવાળીના વેકેસન બાદ નવું શૈક્ષણિક સત્ર શરૃ થઈ ગયું છે. પરંતુ, બાળકોને શાળાએ લઈ જતી અને લાવતી અનેક સ્કૂલ વાન હજુ પણ નિયમોનું પાલન કરવામાં બેદરકાર જણાઈ છે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાધાન્ય આપવાના હેતુથી આરટીઓ દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે.આરટીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ખાસ ડ્રાઇવ દરમિયાન મુખ્યત્વે રજીસ્ટ્રેશન કરતાં વધુ બાળકોને બેસાડવા અને સેફ્ટીના પૂરતા સાધનોનો અભાવ જેવા ગંભીર નિયમભંગ સામે આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, માત્ર છ સ્કૂલવાન સામેની કાર્યવાહીમાં જ રૃપિાય ૭૦ હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે, જે તંત્રની ગંભીરતા દર્શાવે છે.

આ કાર્યવાહીના ભાગરૃપે ૬ સ્કૂલવાનને તાત્કાલિક ડિટેઈન કરી લેવામાં આવી છે. આ કાર્યવાહી સ્પષ્ટ સંદેશ આપે છે કે બાળકોની સુરક્ષાના મામલે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે.આરટીઓના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, નિયમભંગ કરનારા સ્કૂલવાન સંચાલકો સામેની આ ડ્રાઇવ માત્ર શરૃઆત છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન ચેકિંગ ચાલુ રહેશે. તંત્રની આ કાર્યવાહી વાલીઓ માટે પણ એક ચેતવણીરૃપ છે કે તેઓ પણ પોતાના બાળકો જે વાહનમાં શાળાએ જાય છે, તેના રજીસ્ટ્રેશન, સેફ્ટી અને નિયમોના પાલન અંગે જાગૃત થાય.જે સ્કૂલવાન ડ્રાઇવરો અને સંચાલકો નિયમોનું પાલન નહીં કરે તેમને ભવિષ્યમાં પણ ભારે દંડનો સામનો કરવો પડી શકે છે.