- 300 થી વધુ ટ્રેક્ટરો અને શિવજીના વિવિધ ટેબલોએ આકર્ષણ જમાવ્યું
- ઇષ્ટદેવ નગરચર્યાએ નીકળતા સથવારા સમાજમાં અનેરો ઉત્સાહ : મહાદેવની આઠ કિમી લાંબી શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટયું
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં મહાશિવરાત્રીના પવિત્ર પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વઢવાણના સમસ્ત સથવારા સમાજ દ્વારા સિદ્ધનાથ મહાદેવજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વઢવાણના સથવારા પરા વિસ્તારથી શરૂ થયેલી આ યાત્રામાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને ૮૦ ફૂટ રોડ સહિતના વિસ્તારોના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર ગુજરાતમાંથી સથવારા સમાજના લોકો પોતાના ઇષ્ટદેવના દર્શન કરવા અને શોભાયાત્રાનો લ્હાવો લેવા ઉમટી પડયા હતા, જેના કારણે રસ્તાઓ 'હર હર મહાદેવ' ના નાદથી ગુંજી ઉઠયા હતા.
વઢવાણથી સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ પાસે આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર સુધીની આ ૮ કિલોમીટર લાંબી શોભાયાત્રામાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું શિવજીના મહિમા દર્શાવતા ટેબલોએ. આ યાત્રામાં ૩૦ જેટલા ટ્રેક્ટરો જોડાયા હતા, જેમાં ભગવાન શિવના વિવિધ સ્વરૂપો અને ધામક પ્રસંગોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. છેલ્લા ૦૭ વર્ષથી યોજાતી આ પરંપરાગત યાત્રામાં સામાજિક અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. માર્ગમાં ઠેર-ઠેર ભક્તો માટે શરબત અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રાના અંતે મંદિર પરિસરમાં એકત્રિત થયેલા તમામ ભાવિકો માટે ભવ્ય પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સથવારા સમાજના અગ્રણી કિશોરભાઈ દલવાડીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે અમારા ઇષ્ટદેવ મહાદેવજી સ્વયં નગરચર્યાએ નીકળ્યા છે, જે અમારા સમાજ માટે ગૌરવ અને આનંદની વાત છે. આ યાત્રામાં મહિલા મંડળોની ધામક મંડળીઓ, સંતો-મહંતો અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. મહાશિવરાત્રી નિમિત્તે સિદ્ધનાથ મહાદેવને અનોખો શણગાર અને દીપમાળા પ્રગટાવવામાં આવી હતી. ૮ કિલોમીટરની પદયાત્રા બાદ મંદિરે પહોંચેલા ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.


