અમદાવાદના શોકિંગ CCTV: લો ગાર્ડન પાસેના કોફી શોપમાં ટેબલ પર મૂકેલી બેગમાંથી પર્સ ચોરી યુવતી ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી જાણીતી કોફી શોપમાં એક યુવતી દ્વારા પર્સની ચોરી કરવામાં આવી હોવાની ઘટનાના CCTV સામે આવ્યા છે. કોફી શોપમાં આવેલા એક યુવકનું પર્સ ચોરીને આ યુવતી ફરાર થઈ ગઈ હતી. જેની સંપૂર્ણ કરતૂત ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ચોરી કર્યા બાદ આ મહિલાએ પર્સમાં રહેલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને 27000 રૂપિયાની ખરીદી કરી હોવાનું પણ સામે આવ્યું છે, જે બાદ નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટેબલ પર બેગ મૂકી ફોન પર વાત કરવા બહાર જતાં જ પર્સ સેરવી લીધું
મળતી માહિતી અનુસાર, ત્રાગડમાં રહેતા અને શહેરમાં એનીટાઈમ ફિટનેસ જીમ ચલાવતા રવિન્દ્ર યાદવ 26મી સપ્ટેમ્બરના રોજ બપોરે લો ગાર્ડન પાસેની આ કોફી શોપમાં આવ્યા હતા. તે જ્યારે કોફી શોપમાં બેઠા હતા, ત્યારે તેના પર એક ફોન આવતા તે પોતાની બેગ ટેબલ પર જ છોડીને વાતચીત કરવા બહાર ગયા હતા. આ લાભ ઉઠાવીને એક અજાણી યુવતી તેના ટેબલ પાસે આવી પહોંચી હતી અને તેણે પોતાની બેગ રવિન્દ્રની બેગ પાસે મૂકીને અંદરથી પર્સ લઈ લીધું હતું.
15 હજાર રોકડા અને ક્રેડિટ કાર્ડ ચોરાયું, ક્રેડિટ કાર્ડથી કરી ખરીદી
રવિન્દ્ર જ્યારે પરત ફરીને પોતાની કારમાં બેઠા અને તપાસ કરી ત્યારે તેમને પોતાનું પર્સ ગાયબ હોવાની જાણ થઈ હતી. આ પર્સમાં 15000 રૂપિયાની રોકડ તેમજ અમેરિકન એક્સપ્રેસ કંપનીનું ક્રેડિટ કાર્ડ રાખેલું હતું. તેને શંકા જતા તરત જ કોફી શોપના સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા હતા, જેમાં યુવતી ચોરી કરતી નજરે પડી હતી. આ ઉપરાંત તેમના ક્રેડિટ કાર્ડ દ્વારા અલગ અલગ જગ્યાએથી 27000 રૂપિયાની શોપિંગ પણ થઈ ચૂકી હતી. આ સમગ્ર મામલે તેણે રોકડ અને ક્રેડિટ કાર્ડથી થયેલા નુકસાન અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.




