- 150 થી વધુ માલધારી પરિવારોને હિજરતની નોબત
- વિકાસના નામે સીમ તળાવો પર દબાણ કરાતા 5,000 થી વધુ અબોલ પશુઓના જીવ જોખમમાં
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. વઢવાણ તાલુકાના રાજપર, મૂળચંદ, બાળા, કોઠારીયા અને મેમકા સહિતના પાંચથી વધુ ગામોમાં અંદાજિત ૫,૦૦૦ થી વધુ પશુઓ અને વન્ય જીવો પીવાના પાણીના વલખા પડી રહ્યા છે.
એક તરફ વહીવટી તંત્ર દ્વારા વિકાસના બહાને સીમ વિસ્તારના કુદરતી તળાવો પૂરીને ત્યાં સરકારી બિલ્ડિંગો અને આયુર્વેદિક હોસ્પિટલના બાંધકામ શરૂ કરી દેવાયા છે, તો બીજી તરફ માલધારીઓ માટે આખરી આશા સમાન 'બોળાતળાવ' હતું, પરંતુ નગરપાલિકાએ ઉનાળાની શરૂઆતે જ રિનોવેશનના નામે આ તળાવ પણ ખાલી કરી નાખતા સ્થિતિ અત્યંત ગંભીર બની છે.
સ્થાનિક માલધારીઓના જણાવ્યા મુજબ, વઢવાણના સીમ વિસ્તારોમાં વર્ષોથી પશુઓ માટે પાણીના સ્ત્રોત ઉપલબ્ધ હતા. પરંતુ કોઠારીયા નજીકના પાંચ જેટલા તળાવોમાં પુરાણ કરી દેવાતા પશુઓ તરસ્યા મરી રહ્યા છે. હાલમાં અંદાજિત ૫,૦૦૦થી વધુ માલઢોર તેમજ રોજ અને નીલગાય જેવા વન્ય જીવો માટે પાણીનું એક પણ ટીપું ઉપલબ્ધ નથી. વધતી જતી ગરમી વચ્ચે પશુધન બચાવવા માટે માલધારીઓએ તંત્ર પાસે માંગ કરી છે કે ગ્રામીણ વિસ્તારોમાં મોટા અવાડા બનાવી તેમાં નિયમિત પાણી ભરવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો અબોલ પશુઓના મોતની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ભોગાવોનું પ્રદૂષિત પાણીથી પશુઓમાં રોગચાળાની ભીતી
ભોગાવો નદીમાં હાલ ડ્રેનેજનું ગંદુ અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. મજબૂરીવશ પશુઓ આ દૂષિત પાણી પીતા હોવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. પાણીની શોધમાં વન્ય જીવો અને પશુઓની સાથે ૧૫૦થી વધુ માલધારી હિજરત કરવા મજબૂર બન્યા છે.


