Gujarat

પેસેન્જરો ભરવા બાબતે વાહન ચાલક પાસે સિક્યુરિટી કર્મચારીઓએ 10 હજાર માગ્યા

By GS Team
29 Jun 20202 mins read
This article was originally published on 29 Jun 2020
પેસેન્જરો ભરવા બાબતે વાહન ચાલક પાસે સિક્યુરિટી કર્મચારીઓએ 10 હજાર માગ્યા

સાયલા, તા.29 જૂન 2020, સોમવાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને દરરોજ લુંટ, મારામારી, હત્યા, લાંચ, ફાયરીંગ સહિતના બનાવોએ માઝા મુકી છે ત્યારે રાજકોટ એસટી વિભાગમાં ફરજ બજાવતાં બે સીક્યોરીટી વિભાગનાં અધિકારીઓ સરકારી ગાડી લઈને ચેકીંગ પર જઈ રહ્યાં હતાં તે દરમ્યાન સાયલા હાઈવે પર સાપર ગામનાં પાટીયા પાસે આવેલ એક હોટલ સામે એક ખાનગી વાહનચાલક પાસે પેસેન્જરો ભરવા બાબતે રોકડ રકમની લાંચ માંગવામાં આવી હતી.

 જે સમગ્ર મામલો ત્યાંથી પસાર થઈ રહેલ એક સાધુને ધ્યાને આવતાં આ અંગે ઉચ્ચકક્ષાએ ફોન પર પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસે બંન્ને શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ફરિયાદી અમરસિંહ ભુરીયા ઉ.વ.૨૮ રહે.જાંબુઆ મધ્ય પ્રદેશવાળા વરાળ ગામના બસ સ્ટેન્ડ પાસેથી ૧૧ જેટલાં કામદારોને લઈ તુફાન ગાડીમાં બેસાડી જઈ રહ્યાં હતાં. તે દરમ્યાન સાયલા નેશનલ હાઈવે પર સાપર ગામના પાટીયા પાસે આવેલ એક હોટલ સામે ગાડીને અન્ય એક ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલ ગાડીએ રોકી તેમાંથી બે શખ્સોએ નીચે ઉતરી પેસેન્જર વધુ ભર્યા હોવાનું જણાવી રૃા.૧૦,૦૦૦ માંગ્યા હતાં પરંતુ આપવાનો ઈન્કાર કરતાં બોલાચાલી કરી ગાડીના ચાલક પાસે રહેલ રૃા.૮૦૦ આપ્યાં હતાં. આ બોલાચાલી દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલ જુનાગઢના સાધુ સંતપુરીજી ગુરૃશ્રી કુશપુરીજીને ધ્યાન જતાં બંન્ને શખ્સો કોઈ પોલીસ કર્મચારી ન હોવાનું ગાડીના ચાલકને જણાવ્યું હતું અને ત્યારબાદ સાધુએ ૧૦૦ નંબર ઉપર ફોન કરી આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસે ત્યારબાદ ઘટના સ્થળે આવી સરકારી ગાડી સહિત બે શખ્સોને ઝડપી પાડયાં હતાં. 

જેમની વધુ પુછપરછ કરતાં રાજકોટ એસટી વિભાગમાં સીનીયર સીક્યોરીટી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં અજયરાજસિંહ ચુડાસમા તથા સીક્યોરીટી આસીટન્ટ તરીકે ફરજ બજાવતાં સાગરભાઈ જયંતિભાઈ કક્કડ હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે બંન્ને વિરૃધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ એસટી વિભાગનાં બે કર્મચારીઓએ ખાનગી વાહનચાલક પાસે રોકડ રકમની લાંચ માંગી હતી.

 જ્યારે આ મામલે એસીબી વિભાગ સચોટ અને પારદર્શક કાર્યવાહી કરે છે કે કેમ ? તેના પર સૌની મીટ મંડાઈ છે.