Gujarat

અલંગમાં પ્રોડક્શન ધીમું પડતા સ્ક્રેપના ભાવ વધ્યા

By GS TEAM
6 Apr 20262 mins read
અલંગમાં પ્રોડક્શન ધીમું પડતા સ્ક્રેપના ભાવ વધ્યા

- શિપ રિસાયક્લિંગ સંલગ્ન વ્યવસાયોને અસર

- માંગ વધતા સ્ક્રેપના ભાવમાં પ્રતિ ટન 6 હજાર સુધીનો વધારો

ભાવનગર : અલંગમાં શિપ રિસાક્લિંગ પ્રવૃત્તિ ધીમી પડતા શિપ રિસાક્લિંગ સંલગ્ન વ્યવસાયો પર અસર જોવા મળી રહી છે. અલંગમાં પ્રોડક્શન ધીમુ પડતા બીજી તરફ માંગમાં વધારો થતાં સ્ક્રેપના ભાવમાં પ્રતિ ટન ૬ હજાર સુધીનો વધારો થયો છે. આ ઉપરાંત શિપ રિસાક્લિંગ સાથે જોડાયેલા અન્ય વ્યવસાયો પર પણ ધીમે-ધીમે અસર જોવા મળી રહી છે.

અલંગમાં શિપના કટિંગ માટે ગેસનો ઉપયોગ થાય છે, હાલની સ્થિતિએ અલંગમાં જરૂરિયાતના માત્ર ૨૫ ટકા ગેસનો પુરવઠો મળતો હોવાથી પ્રોડક્શન ધીમું થયું છે. આ પરિસ્થિતિને જોતા શિપ બ્રેકરોએ કામના કલાકો અથવા તો કામના દિવસોમાં ઘટાડો કરી દીધો છે જેથી પ્રોક્શનમાં ઘટાડો થયો છે. જેની સીધી અસર અલંગના સ્ક્રેપના વ્યવસાયને પડી છે. અલંગના સ્ક્રેપના વ્યવસાય સાથે જોડાયેલા સૂત્રો અનુસાર અલંગમાં થોડાં દિવસોથી પ્રોડક્શન ઘટયું છે અને તેની સામે સ્ક્રેપની માંગ વધી છે. આ ઉપરાંત સ્ક્રેપની આયાત પણ બંધ હોવાથી હાલ સ્ક્રેપના ભાવમાં વધારો થયો છે. આશરે છેલ્લા એકાદ માસમાં સ્ક્રેપના ભાવમાં પ્રતિ ટન પાંચથી ૬ હજાર સુધીનો વધારો નોંધાયો છે. હાલ સ્ક્રેપનો ભાવ પ્રતિ ટન ૩૭,૮૦૦ સુધી પહોંચ્યો છે. દર વર્ષે ઉનાળામાં સ્ક્રેપના ભાવમાં આવી સ્થિતિ જોવા મળે છે. પરંતુ આ વખતે અલંગમાં પ્રોડક્શન ઘટતા આગામી દિવસોમાં તેની પ્રતિકુળ અસરો જોવા મળી શકે છે.

ભાવનગર અને અલંગના સ્ક્રેપના ભાવો

શહેર

ભાવ (પ્રતિટન રૂ.માં)

ભાવનગર

૩૭,૧૦૦

અલંગ

૩૭,૭૦૦