Get The App

ધગધગતું ભાવનગર : 45.2 ડિગ્રીએ 11 વર્ષનો રેકોર્ડ તોડયો, રાજ્યનું હોટેસ્ટ સિટી

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
ધગધગતું ભાવનગર : 45.2 ડિગ્રીએ 11 વર્ષનો રેકોર્ડ તોડયો, રાજ્યનું હોટેસ્ટ સિટી 1 - image

આભમાંથી અંગારા વરસ્યા, અગન ભઠ્ઠી જેવી ગરમીમાં નાગરિકો શેકાયા

મોડી સાંજ સુધી બળબળતી ગરમીનો અનુભવ, બાળકો-વૃદ્ધો, અશક્તો અને બીમાર વ્યક્તિઓની હાલત કફોડી

ભાવનગર -  ભાવનગરમાં ગરમીનું અણધાર્યું વાવાઝોડું ફૂંકાયું છે. ૧૧ વર્ષનો રેકોર્ડ તોડનારી ૪૫.૨ ડિગ્રી ગરમીના બળબળતા તાપમાં શહેરીજનો રીતસરના શેકાયા હતા. અગન ભઠ્ઠી જેવો આકરો તાપ-સૂર્યપ્રકોપના કારણે બપોરના સમયે રસ્તાઓ પર ગરમીનું સ્વયંભૂ કરફ્યુ લાગી ગયું હતું. મોડી સાંજ સુધી પણ બળબળતી ગરમીનો અનુવભ થતાં બાળકો-વૃદ્ધો, અશક્તો અને બીમાર વ્યક્તિઓની હાલત કફોડી બની ગઈ હતી.

વધતા જતાં કાર્બન ઉત્સર્જન અને શહેરીકરણની આંધળી દોડના પરિણામે દર વર્ષે ઉનાળો આકરો બનતો જઈ રહ્યો છે. શહેરની વચ્ચે જંગલ આવેલું હોવા છતાં હવામાન પરિવર્તનથી ભાવનગર બચી શક્યું નથી. જેનો પુરાવો આજે શુક્રવારની કાળઝાળ ગરમીએ આપ્યો છે. ભાવનગર ધગધગતું હોય તેમ ૨૪ કલાકમાં ગરમીનો પારો સડસડાટ ૪.૫ ડિગ્રી ઉંચકાઈ જતાં તાપમાન ૪૫.૨ સેન્ટીગ્રેડ પહોંચી ગયું હતું. ૪૫ ડિગ્રીથી વધુ ગરમી રહેતા ભાવનગર રાજ્યનું હોટેસ્ટ સિટી તરીકે નોંધાયું હતું. બીજી તરફ ૪૫.૨ ડિગ્રી સાથે ભાવનગર અગન ભઠ્ઠીમાં ફેરવાઈ જતાં નાગરિકો હાશતોબા પોકારી ગયા હતા. મોડી સાંજ ઢળવા છતાં ચામડા દઝાડતી ગરમીનો અનુભવ થયો હતો. તેની સાથે ૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલી લૂએ લોકોની હાલત કફોડી કરી નાંખી હતી. બપોરના સમયે આભમાંથી અંગારા વરસવાના કારણે રસ્તાઓ ઉપર નીકળતા વાહનચાલકો-રાહાદારીઓને આંખોમાં બળતરા થવા લાગી હતી. સૂર્યાસ્ત બાદ પણ ગરમી, બફારા અને લૂએ પીછો છોડયો ન હતો. ઘરની દિવાલોમાંથી ધગધગતી વરાળ જેવી લૂ ફૂંકાતા લોકોએ દિવાલો ઉપર પાણી નાંખવા, પાણીથી ભીના કરેલા કોથળા (કંતાન) પંખા નીચે રાખી દેશી પદ્ધતિનો જુગાડ લગાવી ગરમી-બફારામાં રાહત મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, ભાવનગરમાં વર્ષ ૨૦૧૫માં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી રહ્યું હતું. જે ગરમીનો રેકોર્ડ આજે તૂટી ગયો છે. વધુમાં રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેરમાં ૪૫.૨ ડિગ્રી સાથે ભાવનગર મોખરે છે. બીજા સ્થાને અમદાવાદ (૪૩.૭ ડિગ્રી), ત્રીજા સ્થાને ગાંધીનગર (૪૩.૫ ડિગ્રી) રહ્યું હતું. ભાવનગરમાં આજે સામાન્યથી સરેરાશ ૫.૩ ડિગ્રી વધુ ગરમી રહ્યાનું હવામાન વિભાગે નોંધ્યું છે.

રસ્તાઓ પર ગરમીનું સ્વયંભૂ કરફ્યુ, ૨૪ કલાકમાં ગરમીનો પારો સડસડાટ ૪.૫ ડિગ્રી ઉંચકાયો ઃ સામાન્યથી સરેરાશ ૫.૩ ડિગ્રી વધુ ગરમી રહી

વર્ષ ૧૯૮૮માં ૪૭.૩ ડિગ્રી તાપમાનનો રેકોર્ડ અકબંધ

ભાવનગરમાં છેલ્લા ૫ાંચેક દાયકાના ઈતિહાસમાં હાઈએસ્ટ ગરમી ૧૯૮૮માં પડી હતી. જે ગરમીનો રેકોર્ડ હજુ પણ અકબંધ છે. વર્ષ ૧૯૮૮ના ૧૦ મેના રોજ તાપમાન ૪૭.૩ ડિગ્રી રહ્યાનું આઈએમડી (ભારત હવામાન વિભાગ)ની સત્તાવાર વેબસાઈટમાં નોંધાયું છે. વર્ષ ૨૦૧૫માં ૪૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ત્યારબાદ ૧૧ વર્ષમાં પ્રથમ વખત આજે તા.૧૪-૫-૨૦૨૬ના રોજ મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રીને વટયું છે. વૈશાખ માસના અંતિમ દિવસોની કાળઝાળ ગરમીએ ભાવનગર જિલ્લાના લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. લોકોના આરોગ્ય ઉપર હીટવેવની અવળી અસર જોવા મળી રહી છે. શહેર-જિલ્લામાં ઝાડા-ઉલ્ટી, તાવના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

આઠ દિવસથી આકરી ગરમી, તાપમાન ૪૦ ડિગ્રીની ઉપર

ભાવનગરમાં છેલ્લા આઠ દિવસથી આકરી ગરમી પડી રહી છે. એકપણ દિવસ એવો નથી રહ્યો કે, ગરમીનો પારો ૪૦ ડિગ્રીની નીચે રહ્યો હોય. તેમાં પણ આજે રાજ્યમાં હાઈએસ્ટ તાપમાન ભાવનગરમાં નોંધાયું હતું. પાછલા આઠ દિવસના મહત્તમ તાપમાન પર નજર કરીએ તો તા.૧૪-૫ના રોજ ૪૫.૨ ડિગ્રી, તા.૧૩-૫ના રોજ ૪૦.૭, તા.૧૨-૫ના રોજ ૪૧.૮, તા.૧૧-૫ના રોજ ૪૧.૯, તા.૧૦-૫ના રોજ ૪૧.૨, તા.૯-૫ના રોજ ૪૦.૮, તા.૮-૫ના રોજ ૪૦.૦ અને તા.૭-૫ના રોજ ૪૦.૦ ડિગ્રી તાપમાન રહ્યું હતું. 

ગત વર્ષની તુલનામાં મે માસનું પ્રથમ પખવાડિયું ગરમ

ભાવનગરમાં ઓણ સાલ ગરમી તમામ રેકોર્ડ તોડી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મે માસનું પ્રથમ પખવાડિયું અતિશય ગરમ રહ્યું છે. વર્ષ ૨૦૨૫માં તા.૧-૫થી તા.૧૪-૫ સુધીમાં એક માત્ર બીજી મેના રોજ મહત્તમ તાપમાન ૪૧.૬ ડિગ્રીએ પહોંચ્યું હતું. પાંચ મેના રોજ વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદની અસરના કારણે પૂરા મે મહિનામાં માત્ર ત્રણ વખત જ તાપમાન ૪૦ ડિગ્રી કે તેનાથી ઉપર નોંધાયું હતું. તેની સામે શરૃ વર્ષે મે મહિનાના ૧૪ દિવસમાં ૧૧ દિવસ ગરમીનો પારો ૪૦ ડિગ્રીની ઉપર જ રહ્યો છે.

એ.સી. વિના ન રહી શકીએ એવો પણ સમય આવી શકે!

ભાવનગરમાં પાછલા એક દાયકાનો ઉનાળો વધુ આકરો બન્યો છે. ક્લાઈટમેટ ચેન્જ અને બદલાતી જતી જીવનશૈલીના કારણે ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું છે. જેથી ઉનાળાની ઋતુના એપ્રિલ-મે માસમાં એ.સી.ની માંગમાં જબરો વધારો રહે છે. દર વર્ષે ગરમીમાં વધારો અને સહનશક્તિમાં ઘટાડો થવાનું પરિણામ એવું પણ આવી શકે કે, લોકો એ.સી. વિના ન રહી જ નહીં શકે. ઘરમાં બીજી કોઈ સુખ-સુવિધા હોય કે ના હોય ઘરે-ઘરે ફરજીયાત એ.સી. લાગેલા જોવા મળશે!