Gujarat

ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોની નબળી કામગીરી

By GS TEAM
11 May 20262 mins read
ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોની નબળી કામગીરી

વડોદરાઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં પ્રિ એનરોલમેન્ટ સર્વે  અને બાળકોને સ્કૂલોમાં પાછા લાવવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે.જોકે તેમાં શહેરની ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોની નબળી કામગીરી સામે આવી છે.

નવી શિક્ષણ નીતિ હેઠળ ૨૦૩૦ સુધીમાં પૂર્વ પ્રાથમિક થી માધ્યમિક વિભાગમાં જનરલ એનરોલમેન્ટ રેશિયો ૧૦૦ ટકા કરવાનું લક્ષ્યાંક છે.જેના ભાગરુપે અત્યારે બાલવાડીથી લઈને ધો.૧૨ સુધીમાં જે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થયા છે.એટલે કે જેમણે અધવચ્ચે શિક્ષણ છોડી દીધું છે, તેમને પાછા સ્કૂલોમાં પ્રવેશ આપીને ભણાવવા માટેનું અભિયાન શરુ કરાયું છે.

વડોદરા શહેરમાં ધો.૧ થી ૧૦માં ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૪૪૭ છે અને તેમાં ૧૪૭૩૩ વિદ્યાર્થીઓ ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં તથા ૨૦૪૧ વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા હતા.આ પૈકી શિક્ષણ સમિતિ દ્વારા પોતાની સ્કૂલોમાંથી ડ્રોપઆઉટ થયેલા તમામ વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ કરીને સરકારના પોર્ટલ પર રજિસ્ટ્રેશનની કામગીરી પૂરી કરવામાં આવી છે.જોકે ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ પૈકી માંડ એકાદ ટકા વિદ્યાર્થીઓને ટ્રેક કરીને તેમનું રજિસ્ટ્રેશન કરી શકી છે.જેના પગલે શાસનાધિકારી  ડો.વિપુલ ભરતીયાએ આ સ્કૂલોને પત્ર લખીને કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે તાકીદ કરી છે.

પ્રિ-એનરોલમેન્ટ સર્વેઃ ૮૪૦૪૯ વિદ્યાર્થીઓ પ્રવેશને પાત્ર

શહેરમાં પ્રિ એનરોલમેન્ટ સર્વે હેઠળ નવા એડમિશન લેનારા અને ધોરણ પાંચમાથી ધોરણ ૬માં જનારા તથા ધોરણ આઠમાંથી ધોરણ નવમા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૮૪૦૪૯ થવા જાય છે.જેમાંથી ૩૧૩૯૦ વિદ્યાર્થીઓનું આગળના ધોરણમાં પ્રવેશ સુનિશ્ચિત કરાયો છે પણ ૫૨૬૫૯ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. પ્રિ એનરોલમેન્ટ સર્વેમાં પણ શિક્ષણ સમિતિએ ૧૦૦ ટકા કામગીરી કરી છે.જ્યારે ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલો તેમાં પણ ઘણી પાછળ છે.

ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને સ્કૂલમાં સુધી લાવવા માટે મેન્ટરશિપ

ટ્રેકિંગ અને રજિસ્ટ્રેશન બાદ સૌથી મોટો પડકાર આ વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં લાવીને તેમને અભ્યાસ માટે પ્રેરણા આપવાનો છે.આ માટે  સ્કૂલોના શિક્ષકો કે પછી માતા પિતાને જે તે વિદ્યાર્થીના મેન્ટર તરીકેની કામગીરી સોંપવામાં આવી છે.જોકે ટ્રેકિંગ અને રજિસ્ટ્રેશનની કવાયત બાદ ડ્રોપ આઉટ થયેલા કેટલા વિદ્યાર્થીઓ ફરી શિક્ષણ તરફ વળ્યા તે નવું શૈક્ષણિક વર્ષ શરુ થયા બાદ જ  ખબર પડશે.

સીઆરસી, યુઆરસી સ્ટાફનું વેકેશન રદ, કંટ્રોલ રુમ શરુ કરાયો

ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓ ૧૦૦ ટકા કામગીરી ના કરે તો તમામ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર અને અર્બન રિસોર્સ સેન્ટર સહિતના મોનિટરિંગ સ્ટાફને શાળાઓમાં મોકલીને કામગીરી પૂર્ણ કરાવાશે.જેના ભાગરુપે આ સ્ટાફનું વેકેશન રદ કરવામાં આવ્યું છે અને તેમને હેડ ક્વાર્ટર નહીં છોડવા માટે સૂચના અપાઈ છે.વડોદરા શહેરના ૧૦૦ ટકા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અને એડમિશન થાય તે માટે કંટ્રોલ રુમ પણ બનાવવામાં આવ્યો છે.જ્યાં રોજે રોજની કામગીરીની જાણકારી મેળવીને રિપોર્ટ કરવામાં આવી રહી છે.