Gujarat

ગણતરી કરવાની સૂચના, વડોદરાની 140 સ્કૂલોની આસપાસ 592 જેટલા રખડતા કૂતરા

By GS TEAM
12 Feb 20262 mins read
ગણતરી કરવાની સૂચના, વડોદરાની 140 સ્કૂલોની આસપાસ 592 જેટલા રખડતા કૂતરા

વડોદરાઃ સરકારના શિક્ષણ વિભાગે યુનિવર્સિટીઓ અને કોલેજો બાદ હવે સ્કૂલોને પણ સ્કૂલોના કેમ્પસમાં રખડતા શ્વાનનો સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.હાલમાં ધો.૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા પણ ચાલી રહી છે અને આગામી દિવસોમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો પણ પ્રારંભ થવાનો છે.આ સંજોગોમાં સ્કૂલોના આચાર્યોને   કૂતરાઓના સર્વેની કામગીરી કરવાની નોબત આવી છે.

મળતી વિગતો પ્રમાણે શિક્ષણ વિભાગ દ્વારા  વડોદરા સહિત તમામ ડીઈઓને મોકલવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાનમાં શાળાઓ સહિત રાજ્યની સંસ્થાઓ જેમ કે હોસ્પિટલો, દવાખાના, બસ સ્ટેશન જેવા વિસ્તારોમાં શ્વાનોની સંખ્યા અંગેની સચોટ જાણકારી ઉપલબ્ધ હોવી જરુરી છે અને દરેક જિલ્લાનો સંક્ષિપ્ત અહેવાલ મોકલવાનો રહેશે.એ પછી વડોદરા ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલો પાસે માહિતી માગવામાં આવી  છે.જેમાં ૧૦૦ ગ્રાન્ટેડ, ૧૦  સરકારી અને ૩૦ ખાનગી એમ ૧૪૦ સ્કૂલોએ શાળા સંકુલ કે તેની આસપાસ ૫૯૨ જેટલા રખડતા કૂતરાઓ હોવાની જાણકારી પૂરી પાડી છે.વડોદરાની એક સ્કૂલના આચાર્યએ કહ્યું હતું કે, હવે આચાર્યોએ જાતે અથવા તો શિક્ષકોને કેમ્પસમાં કોઈ રખડતા કૂતરા છે કે નહીં તે ગણવાની કામગીરી સોંપવાની?  અને આ ગણતરી કરવામાં આવે તો પણ તેનાથી ફાયદો શું થશે? શિક્ષણ વિભાગે માત્ર આંકડા મોકલવાનું કહીને હાથ ઉંચા કરી દીધા છે.

યુનિ.માં નોડલ ઓફિસરની નિમણૂક કરવી પડી 

એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોએ પણ ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા મળેલા આ પ્રકારના પરિપત્ર બાદ યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા કૂતરાઓના સર્વે માટે ઝૂઓલોજી વિભાગના અધ્યાપકની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવી પડી છે.જેમને કેમ્પસમાં વિદ્યાર્થીઓમાં રખડતા શ્વાન અંગે જાગૃતિ ફેલાવવાની પણ કામગીરી સોંપવામાં આવી છે.