Get The App

સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂરું, આજથી જંગલ સફારીનો પ્રારંભ, તહેવારના દિવસોમાં બુકિંગ ફુલ

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂરું, આજથી જંગલ સફારીનો પ્રારંભ, તહેવારના દિવસોમાં બુકિંગ ફુલ 1 - image

Sasan Gir News: એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીરના જંગલમાં સિંહોનું ચાર માસનું 'વેકેશન' પૂરું થયું છે અને પ્રવાસીઓ માટે આજથી જંગલ સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચોમાસું અને વન્ય પ્રાણીઓના પ્રજનન કાળને કારણે છેલ્લા ચાર મહિનાથી બંધ રહેલી જંગલ સફારી ફરી શરૂ થતા પ્રકૃતિપ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

આ વખતે પરંપરાગત 16 ઓક્ટોબરની તારીખના બદલે 9 દિવસ વહેલી એટલે કે 7 ઓક્ટોબરે જ સફારીનો પ્રારંભ કરાયો છે. પ્રથમવાર આટલો વહેલો પ્રારંભ કરવામાં આવ્યો છે. લીલી ઝંડી બતાવીને સફારીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને પ્રથમ ટ્રીપના પ્રવાસીઓના મોં મીઠા કરાવીને તેમને જંગલમાં રવાના કરાયા હતા. સાસણ ગીર ઉપરાંત જૂનાગઢની ગિરનાર સફારી અને પોરબંદરની બરડા સફારીનો પણ આજથી પ્રારંભ થયો છે.

જંગલ સફારી માટે ઓનલાઈન બુકિંગમાં પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નવેમ્બર મહિનાના અમુક દિવસો સિવાય તહેવારના દિવસોમાં બુકિંગ ફુલ થઈ ગયું છે. સાસણ સિંહ દર્શન માટે તો ડિસેમ્બર મહિના સુધીની ઓનલાઈન પરમીટનું બુકિંગ ફુલ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી 10 અને 11 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણ ગીરની મુલાકાત લેવાના છે.

આ પણ વાંચો: ગિરનારના શિખર પર મૂર્તિ તોડવા મામલે કાર્યવાહી માટે ગાંધીનગરથી નિર્દેશ, યુપીના CM યોગી પણ એક્ટિવ

છેલ્લી સિઝનમાં રેકોર્ડ બ્રેક સાડા આઠ લાખથી વધુ પ્રવાસીઓએ સાસણ ગીર જંગલ સફારીની મુલાકાત લીધી હતી. આ વખતે પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

આજથી બરડા અભયારણ્યમાં જંગલ સફારીનો પ્રારંભ 

પોરબંદર વન વિભાગ હેઠળ આવેલા બરડા અભયારણ્ય ખાતેની બરડા જંગલ સફારીનો આજથી 7 ઓક્ટોબરથી પ્રારંભ કરવામાં આવ્યો છે.  પ્રવાસીઓ હવે પ્રાકૃતિક સૌંદર્ય,  વિવિધ જાતિના વન્યજીવન અને સમૃદ્ધ જૈવ વૈવિધ્યનો આનંદ માણી શકશે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. બરડા જંગલ સફારી માટેની પરમીટ બુકિંગ કપૂરડી ચેક પોસ્ટ ખાતે રૂબરૂ જઈ કરી શકાશે, અથવા ફોન કરીને એડવાન્સ બુકિંગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે.