ગિરનારના શિખર પર મૂર્તિ તોડવા મામલે કાર્યવાહી માટે ગાંધીનગરથી નિર્દેશ, યુપીના CM યોગી પણ એક્ટિવ
Girnar Gorakhnath Murti Vandalism: જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ શિખર પરના મંદિરમાં અજાણ્યા શખસો દ્વારા કરવામાં આવેલી તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાની ઘૃણાસ્પદ ઘટનાથી સમગ્ર રાજ્યમાં રોષ ફેલાયો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક જૂનાગઢ કલેક્ટરને ફોન કરીને સત્વરે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, નાથ સંપ્રદાય સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ સમગ્ર ઘટના અંગેની માહિતી મેળવી હતી અને આરોપીઓને પકડવા માટે તાકીદે કાર્યવાહી કરવા જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મહંતે નોંધાવી ફરિયાદ, LCBને તપાસ સોંપાઈ
મળતી માહિતી અનુસાર, આ ઘટના બાદ સાધુ-સંતો અને ભાવિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોરખનાથ મંદિરના મહંત યોગી સોમનાથજી ગુરૂ રાજનાથજીએ ચાર અજાણ્યા શખસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ થતાં જ એસ.પી. સુબોધ ઓડેદરા સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. હાલમાં આ કેસની તપાસ LCB પીઆઈને સોંપવામાં આવી છે. પોલીસની વિવિધ ટીમો સીસીટીવી કેમેરાના આધારે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે, પરંતુ હજુ સુધી આરોપીઓની ધરપકડ થઈ નથી.
નૂતન મૂર્તિની સ્થાપના
મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત થવાના બનાવ બાદ સાધુ-સંતો અને વહીવટીતંત્રએ તાત્કાલિક પગલાં લીધા હતા. કચ્છમાં આવેલા આશ્રમમાંથી તાબડતોબ ગોરખનાથજીની નૂતન મૂર્તિ મંગાવવામાં આવી હતી. કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે કામચલાઉ ધોરણે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આગામી સમયમાં વિધિવત રીતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા માટે યજ્ઞ અને અન્ય વિધિઓનું આયોજન કરવામાં આવશે.
આ પવિત્ર સ્થળ પર થયેલા હીન કૃત્યના કારણે ધાર્મિક લાગણી દુભાઈ છે અને લોકો આરોપીઓ સામે વહેલી તકે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.