Sachin Tendulkar in Ahmedabad: અમદાવાદમાં આવેલી એસઆરટી10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સલન્સ સ્પોર્ટ્સ એકેડમીમાં આજે પ્રેરણાદાયી અને ભાવનાત્મક માહોલ વચ્ચે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે એકેડમીમાં તાલીમ લઈ રહેલા યુવા ખેલાડીઓ સાથે સમય વિતાવ્યો હતો. આ વિશેષ કાર્યક્રમ દરમિયાન તેમણે બાળકો, માતા-પિતા અને ઉભરતા ક્રિકેટરો સાથે નજીકથી સંવાદ સાધ્યો હતો. ક્રિકેટને લગતી પ્રવૃત્તિઓ અને અનૌપચારિક સત્રો દરમિયાન બાળકો સાથે મેદાનમાં જોડાઈને સચિન તેંડુલકરે યુવા ખેલાડીઓને રમત દ્વારા શિસ્ત, ધીરજ અને શીખવાની ખુશીને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમના આ સંવાદે એકેડમીમાં ઉપસ્થિત તાલીમાર્થીઓ અને તેમના પરિવારજનો માટે યાદગાર ક્ષણો સર્જી હતી. ઘણાં લોકોએ આ અનુભવને જીવનમાં એક જ વાર મળતી તક ગણાવી હતી.

સચિન તેંડુલકરે શું કહ્યું?
કાર્યક્રમ બાદ સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે, 'કોઈપણ નાના બાળક માટે સૌથી મહત્ત્વની બાબત એ નથી કે તે ક્યાંથી શરૂઆત કરે છે, પરંતુ તેને વિકાસ કરવાની તક મળે છે કે નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં મને વધુને વધુ એમ લાગવા લાગ્યું છે કે ભારતનું રમતગમતનું ભવિષ્ય એ વાત પર નિર્ભર રહેશે કે આપણે પાયાના સ્તરે કેટલું ગંભીરતાથી રોકાણ કરીએ છીએ અને બાળકોને કોઈપણ ભય અથવા દબાણ વગર રમતનો આનંદ માણવા માટે કેટલું પ્રોત્સાહન આપીએ છીએ. જ્યારે બાળકો મેદાનમાં ઉતરે છે, ત્યારે તેઓ માત્ર રમત જ રમતા નથી, પરંતુ તેઓ શિસ્ત, ટીમવર્ક, સંઘર્ષશીલતા અને આત્મવિશ્વાસ પણ શીખે છે. અમદાવાદના આ યુવા ખેલાડીઓમાં જોવા મળેલી ઊર્જા અને જિજ્ઞાસા ખરેખર હૃદયસ્પર્શી હતી અને મને આશા છે કે આવી પહેલ વધુને વધુ બાળકોને રમત દ્વારા સપનાં જોવા માટે પ્રેરિત કરતી રહેશે.'
જો તમે શોર્ટકટ લેશો, તો આખી દુનિયા સામે ખુલ્લા પડી જશો
વધુમાં સચિને કહ્યું કે, 'ટેલેન્ટ ભગવાન આપે છે, પણ એ ટેલેન્ટનું તમે શું કરો છો એ તમારા હાથમાં છે! જ્યારે પણ તમે મેદાન પર રમવા જાઓ, ત્યારે દર વખતે જીત કે સક્સેસ મળશે તેની કોઈ ગેરંટી નથી હોતી. પણ પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરવું, શિસ્ત જાળવવી અને પૂરેપૂરું ફોકસ રાખવું.એ માત્ર ને માત્ર તમારા હાથમાં છે. મેં એવા ઘણા સુપર ટેલેન્ટેડ ક્રિકેટરો જોયા છે જેઓ ક્યારેય સફળ ના થઈ શક્યા, કારણ કે તેમણે પોતાની ટેલેન્ટની કદર ના કરી. જો ભારતીય ટીમમાં સ્થાન મેળવવું હોય તો કોઈ જ શોર્ટકટ નથી, અહીં ઘણા બલિદાન આપવા પડે છે. જો તમે શોર્ટકટ લેશો, તો આખી દુનિયા સામે ખુલ્લા પડી જશો!'

સચિન તેંડુલકરના સમર્થનથી શરૂ થયેલી આ ભારતની બીજી એકેડમી
એસજી રોડ પર વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલ શંકુસ ફાર્મ ખાતે આવેલી એસઆરટી10 અલ્ટેવોલ સ્પોર્ટ્સ એકેડમીની શરૂઆત આ વર્ષના પ્રારંભમાં કરવામાં આવી હતી. આ એકેડમી વધી રહેલી એસઆરટી10 ઇકોસિસ્ટમનો એક ભાગ છે, જે પ્રોફેશનલ કોચિંગ, ફિટનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વાંગી ખેલાડી તાલીમ કાર્યક્રમો દ્વારા પાયાના સ્તરે રમતગમતના વિકાસને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે કાર્યરત છે. નવી મુંબઈ ખાતે ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાં આવેલી ફ્લેગશિપ એસઆરટી10 ગ્લોબલ એકેડમી બાદ સચિન તેંડુલકરના સમર્થનથી શરૂ થયેલી આ ભારતની બીજી એકેડમી છે.
'આત્મવિશ્વાસ અને ઉદ્દેશ્યની નવી લાગણી જાગી'
એસઆરટી10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સીલન્સના સીઇઓ ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, 'આજનો દિવસ અમારાં બધાં માટે અત્યંત ખાસ રહ્યો હતો. સચિન તેંડુલકર સાથે મેદાનમાં સમય વીતાવવાની તક મળતાં યુવા સપનાદ્રષ્ટાઓમાં આત્મવિશ્વાસ અને ઉદ્દેશ્યની નવી લાગણી જાગી છે. આ એકેડમી નમ્રતા, કઠોર પરિશ્રમ, શિસ્ત અને સતત સુધારાની પ્રતિબદ્ધતાના પાયા પર ઊભી છે અને તેમની હાજરીએ આ મૂલ્યોને જીવંત બનાવી દીધા હતા. આજે અમે જે ઉત્સાહ અને ઊર્જા નિહાળી છે, તે આ યુવા ખેલાડીઓના મનમાં લાંબા સમય સુધી રહેશે.'

આ મુલાકાતે અમદાવાદ જેવા વિકસતા શહેરી કેન્દ્રોમાં સુવ્યવસ્થિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમના વધતા મહત્વને પણ ઉજાગર કર્યું હતું, જ્યાં વિશ્વસ્તરીય તાલીમ અને માર્ગદર્શન સુધી વધતી પહોંચ પાયાના સ્તરે રમતગમતની વધુ મજબૂત સંસ્કૃતિ ઘડવામાં મદદરૂપ બની રહી છે. એકેડમી માત્ર ટેકનિકલ કુશળતા સુધી મર્યાદિત નથી, પરંતુ આત્મવિશ્વાસ વધારવા, શિસ્ત, માનસિક મજબૂતી અને લાંબા ગાળાના ખેલાડી વિકાસ પર પણ સમાન ભાર મૂકે છે. અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માતા-પિતા અને બાળકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા એકેડમીની પ્રદેશભરના યુવા પ્રતિભાશાળી ખેલાડીઓ માટે અર્થપૂર્ણ રમતગમતની તકો ઊભી કરવાની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની હતી.


