ડિજિટલ
ઇન્ડિયાની મુવમેન્ટમાં ખોટકો,
એનઆઇસીને ફરિયાદ
વાહન
ટ્રાન્સફર, પરમીટ, વાહન રજિસ્ટ્રેશન સહિતની પ્રક્રિયા અટકતા
કચેરીમાં કામનો ભરાવા
ભાવનગર - ભાવનગર આરટીઓમાં
છેલ્લા ચાર દિવસથી વાહન સર્વર ખોટકાયું હોવાથી હજારો અરજીઓનો નિકાલ અટકી પડયો છે
અને વારંવાર ઓટીપી નાખવા છતાં લોગીન થઇ શકતું ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. એક
તરફ ડિજિટલ ઇન્ડિયાની મુવમેન્ટ ચાલે છે ત્યારે સરકારી તંત્રનું સર્વર જ ઠપ્પ રહેતા
ભાવનગર સહિત રાજ્યના લાખો અરજદારોના કામો અટવાઇ પડયા છે. જે સંદર્ભે એનઆઇસીને પણ
જાણ કરાઇ છે.
આરટીઓની
તમામ કામગીરી હાલ ઓનલાઇન થઇ જવા પામી છે ત્યારે છેલ્લા ચાર દિવસથી નેશનલ
ઇન્ફોર્મેટીક સેન્ટર એનઆઇસી સંચાલિત વાહનનું સર્વર ડચકા ખાતુ ચાલતા વાહન ટ્રાન્સફર, મોબાઇલ અપડેશન,
નવી પરમીટ સહિતના કામો અટકી પડયા છે. જ્યારે નવી પરમીટ નહીં નીકળતા
હાલ વેકેશન સિઝનમાં ટુરિસ્ટ વાહનોની માંગ વધુ હોય પરંતુ પરમીટના વાકે ધંધા અટકી
પડયા છે અને પ્રવાસીઓને ન છુટકે અન્ય વ્યવસ્થા કરવા મજબુર બનવું પડે છે. તો હાલના
સંજોગોમાં આરટીઓ કર્મચારીઓ દ્વારા વારંવાર જનરેટ કરેલ ઓટીપી નાખવા છતાં લોગઇન થઇ
શકતા નથી અને લોગઇન નહીં થવાથી કામો અટકી પડેલ છે. સાથો સાથ અરજદારોની સાથે પણ
ઘર્ષણના બનાવો બની રહ્યા છે તો બીજી તરફ નવું રજિસ્ટ્રેશન પણ નહીં થતા ભાવનગરના
વાહન ડિલરો પરેશાની ભોગવી રહ્યા છે અને ફી ભરાતી નથી, રજિસ્ટ્રેશન
થતું નથી, એચએસઆરપી વગર વાહન રોડ પર ઉતારી શકાતું નથી અને
વાહનોના ખડકલા થઇ રહ્યા છે. જો કદાચ સર્વર શરૃ પણ થાય તો સમગ્ર પ્રોસેસ થતા કલાકો
નીકળી જાય અને ક્યારેક અધુરૃ કામ પણ રહી જાય તેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થવા
પામ્યું છે. આમ સરકાર એક તરફ ડિજિટલ ઇન્ડિયાની મુવમેન્ટ ચલાવી રહી છે પરંતુ
પોતાનું જ સર્વર ડાઉન રહેતા ડિજિટલ મુવમેન્ટના ધજાગરા થઇ રહ્યા છે. આ પ્રશ્ન
ભાવનગર સહિત સમગ્ર રાજ્યનો હોય તમામ આરટીઓ કચેરીથી એનઆઇસીમાં ફરિયાદો ગઇ છે. જો કે,
અગાઉ પણ સર્વરનો પ્રશ્ન ઉઠયો હતો અને એક સપ્તાહ સુધી સર્વર ડાઉન
રહેવા પામ્યું હતું. ત્યારે યોગ્ય ટેકનીકલ ફોલ્ટ શોધી કાયમી નિરાકરણ લાવવું જરૃરી
બન્યું છે. ડિજિટલ યુગના સ્વપ્ન ત્યારે જ સાકાર થાય જ્યારે તેને લગત પુરતુ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય.


