Get The App

સુરેન્દ્રનગરમાં સરકારી અનાજ ગોડાઉનના પતરા 8 મહિનાથી તૂટેલી હાલતમાં

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં સરકારી અનાજ ગોડાઉનના પતરા 8 મહિનાથી તૂટેલી હાલતમાં 1 - image

વાવાઝોડામાં પતરા ઉડયા બાદ તંત્રની ઘોર ઉદાસીનતા

ચોમાસા પહેલા ગોડાઉનનું સમારકામ હાથ નહીં ધરાય તો ગરીબોનું અનાજ બગડી જવાની ભીતિ

સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી નજીક આવેલા સરકારી અનાજના ગોડાઉનની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે. છેલ્લા આઠ મહિનાથી આ ગોડાઉનના પતરા તૂટેલી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. આ ગોડાઉનમાંથી જ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં ઘઉં અને ચોખા જેવો જથ્થો સપ્લાય કરવામાં આવે છે, જે અંતે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો સુધી પહોંચે છે.

આઠ મહિના પહેલા આવેલા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ગોડાઉનના પતરા ઉડી ગયા હતા, જે પતરા આજુબાજુના મકાનો પર પડતા સ્થાનિકોને પણ નુકસાન થયું હતું. આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા નવા પતરા નાખવાની તસ્દી લેવામાં આવી નથી. પરિણામે, ગરીબોના પેટમાં જતું અનાજ અત્યારે ખુલ્લી છત નીચે રાખવા માટે તંત્ર મજબૂર બન્યું છે.

હાલ શિયાળાની સીઝન ચાલી રહી છે, પરંતુ જો આગામી ઉનાળા કે ચોમાસા પહેલા આ પતરાનું રિપેરિંગ કરવામાં નહીં આવે, તો સંગ્રહ કરેલો અનાજનો જથ્થો સડી જાય અથવા બગડી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આઠ મહિનાથી ખુલ્લી છત હેઠળ સંગ્રહિત થયેલું અનાજ જ જનતાને વિતરિત કરવામાં આવી રહ્યું છે. વહેલી તકે ગોડાઉનનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.