ગુજરાતમાં હાઉસ હસબન્ડનો ઉદય, પતિ જ ઘરમાં સંપૂર્ણ જવાબદારી લે છે, બદલાતા સમયનો નવો ટ્રેન્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

House Husband India : સવારના સમયે નોકરીએ જતા પતિ અને શાળાએ જતા બાળકોની દોડધામ સંભાળતી મહિલાઓનું ચિત્ર આપણા સમાજમાં સામાન્ય છે. જોકે, હવે આ પરંપરાગત ભૂમિકામાં ધીમે ધીમે બદલાવ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કેટલાક પરિવારોમાં પત્ની નોકરી કે વ્યવસાય કરીને પરિવારની આવકમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જ્યારે પતિ ઘર, બાળકો અને પરિવારની અન્ય જવાબદારીઓ સંભાળે છે. આવા પુરુષોને ‘હાઉસ હસબન્ડ’ અથવા ‘સ્ટે-એટ-હોમ ડેડ’ તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં 5 લાખથી વધુ પુરુષો ‘હાઉસ હસબન્ડ’ની ભૂમિકામાં
આંકડા મુજબ, ગુજરાતમાં 2025માં પુરુષોની વસ્તી આશરે 3.86 કરોડ છે. 2024ની મતદાર યાદીના આધારે 18 વર્ષથી વધુ વયના પુરુષોની સંખ્યા આશરે 2.54 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે. આ આધારે રાજ્યમાં હાઉસ હસબન્ડની સંખ્યા 5 લાખથી વધુ હોવાનો અંદાજ છે. જે પુખ્ત પુરુષોની સંખ્યાના આશરે 2 ટકા જેટલી થાય છે. આવી સ્થિતિ માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી. ભારતમાં પણ ઉપલબ્ધ શ્રમ સર્વેના આંકડા મુજબ આશરે 2 ટકા પુરુષો પોતાને હાઉસ હસબન્ડ તરીકે ઓળખાવે છે. એટલે કે, દર 100 પુરુષોમાંથી આશરે 2 પુરુષો ઘરની જવાબદારી સંભાળવાની ભૂમિકા સ્વીકારે છે.
પત્નીની આવક વધુ હોય તો પતિ સંભાળે છે ઘરનો મોરચો
અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં કેટલાક યુવા પરિવારોમાં પત્નીની આવક વધુ હોય અથવા તેમની નોકરીમાં વધુ સમયની જરૂરિયાત હોય ત્યારે પતિ ઘરનું સંચાલન સંભાળે છે. બાળકોની સંભાળ, રસોઈ, સફાઈ તેમજ વૃદ્ધ માતા-પિતાની સેવા જેવી જવાબદારીઓ હવે માત્ર મહિલાઓ પૂરતી સીમિત રહી નથી. કેટલાક પરિવારોમાં પતિ સ્વેચ્છાએ આ જવાબદારી સ્વીકારે છે. તેમના મતે, આ વ્યવસ્થાથી બાળકો સાથે વધુ સમય પસાર કરી શકાય છે અને દાંપત્યજીવનમાં જવાબદારીઓનું વધુ સંતુલિત વિતરણ થઈ શકે છે.
બદલાતી વિચારસરણીનું પ્રતિબિંબ
મહિલાઓનું શિક્ષણ, રોજગારમાં વધતી ભાગીદારી અને પરિવારોની બદલાતી આર્થિક જરૂરિયાતો સાથે ઘર અને કમાણી અંગેની પરંપરાગત ભૂમિકાઓમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. જોકે, હાઉસ હસબન્ડ તરીકે ઘર સંભાળતા પુરુષોને હજુ પણ સામાજિક ટિપ્પણીઓ અને પરંપરાગત માનસિકતાનો સામનો કરવો પડે છે.
બીજી તરફ, આશરે 75 ટકા મહિલાઓ પોતાને હાઉસવાઇફ તરીકે ઓળખાવે છે. આ સ્થિતિ દર્શાવે છે કે પરિવારમાં કમાણી અને ઘર સંભાળવાની જવાબદારી અંગેની ભૂમિકાઓમાં બદલાવ શરૂ થયો છે. હવે કેટલાક પરિવારોમાં પતિ-પત્નીમાંથી કોણ કમાય અને કોણ ઘર સંભાળે તે કરતાં પરિવારની જરૂરિયાત પ્રમાણે જવાબદારી વહેંચવાની વિચારસરણી મહત્વ પામી રહી છે.




