Get The App

રિક્ષા ગેંગ ઝડપાઈ, 15 પેસેન્જરોને શિકાર બનાવ્યા, ફરિયાદ માત્ર એક જ

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
રિક્ષા ગેંગ ઝડપાઈ, 15 પેસેન્જરોને શિકાર બનાવ્યા, ફરિયાદ માત્ર એક જ 1 - image

રાજકોટમાં રિક્ષા ગેંગનો રોજ ઘણા પેસેન્જરો શિકાર બની રહ્યા છે

રિક્ષા ગેંગથી સાવચેત રહેવા પેસેન્જરોને ક્રાઈમ બ્રાંચે અનુરોધ કરવો પડયો

રાજકોટ: અમદાવાદનાં એક યુવાનનું રૂા.૩૫ હજારની રોકડ સાથેનું પર્સ તફડાવનાર રિક્ષા ગેંગના મુખ્ય સુત્રધાર અને રીઢા ગુનેગાર કિશન ઉર્ફે કિસલો મગન ભાંભળીયા (ઉ.વ.૨૭, રહે. માલધારી સોસાયટી શેરી નં.૩), વિરલ ઉર્ફે વિરુ ગોવિંદભાઇ ઉદેશ (ઉ.વ.૨૬, રહે. નવાગામ ટ્રાન્સપોર્ટનગર) અને હિના શરીફભાઇ ડોસાણી (ઉ.વ.૨૫, રહે. ભગવતીપરા)ને ક્રાઇમ બ્રાંચે  ઝડપી લીધા છે. 

ચોંકાવનારી વાત એ છે કે શહેરમાં દરરોજ ઘણાં લોકો રિક્ષા ગેંગનો શિકાર બની રહ્યા છે. પરંતુ તેમાંથી મોટાભાગના લોકો પોલીસની કડાકૂટથી બચવા અગર તો રકમ નાની હોવાથી ફરિયાદ કરવાનું ટાળે છે. જેને કારણે રિક્ષા ગેંગને મોકળું મેદાન મળી જાય છે. ઝડપાયેલી ગેંગ સામે માત્ર એક જ ગુનો નોંધાયો છે. તેની સામે આ ગેંગે ૧૫ મુસાફરોને શિકાર બનાવ્યાની કબુલાત આપી છે. જેની કોઈ ફરિયાદો પોલીસમાં નોંધાઈ નથી. 

ઝડપાયેલી ગેંગ પાસેથી ક્રાઈમ બ્રાંચે રિક્ષા અને રૂા.ર૪ હજાર કબજે કર્યા છે. મુખ્ય સૂત્રધાર કિશન આ અગાઉ આ પ્રકારના અને અન્ય મળી નવ ગુનામાં પકડાઈ ચુકયો છે. બીજો આરોપી વિરલ દારૂ સહિતના પાંચ ગુનામાં પકડાઈ ચુકયો છે. જયારે આરોપી હિના પણ માલવિયાનગર પોલીસમાં રિક્ષા ગેંગના કેસમાં પકડાઈ ચુકી છે. 

આ ટોળકી સંગઠિત થઈ ગુના આચરતી હતી. રિક્ષામાં પહેલેથી જ ટોળકીના સાગરીતો બેઠા રહેતા હતા. ઉલટી ઉબકા કે ધક્કામુકીના બહાને  પેસેન્જરની કિંમતી માલમત્તા તફડાવી લેતા હતા. 

ક્રાઈમ બ્રાંચે આજે પેસેન્જરોને જે પણ રિક્ષા, ઈકો કે બીજા વાહનોમાં બેસે ત્યારે તેના નંબર નોંધી લેવા, પોતાના પાકિટ, રોકડ રકમ, ઘરેણાં અને અન્ય કિંમતી સામનનું ધ્યાન રાખવા, અંદર બેઠેલા ગઠિયાઓ ધક્કામુક્કી કે ઉબકા-ઉલટીનું બહાનું કરે તો તરત પોતાનો સામાન ચેક કરવા, જો કાંઈ શંકાસ્પદ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.