Get The App

RFO બદલી કાંડઃ રાજ્યની આંગડિયા પેઢીઓમાંથી 'વહીવટ'ની લિન્ક મળી

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
RFO બદલી કાંડઃ રાજ્યની આંગડિયા પેઢીઓમાંથી 'વહીવટ'ની લિન્ક મળી 1 - image

અફસરોની સંડોવણીના નિર્દેશ મળતાં તોળાતું 'ઓપરેશન ગંગાજળ'  : વહીવટ કરીને મનગમતી જગ્યાએ પોસ્ટિંગ મેળવનારાઓ અને વહીવટદારો સામે કડક કાયદાકીય પગલાં લેવાય તેવી શક્યતાઓ 

 જૂનાગઢ, : રાજ્યના વન વિભાગમાં 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલીઓમાં મોટાપાયે આચરાયેલી ગેરરીતિઓ અને કરોડોનાં કથિત કટકીકાંડને પગલે સમગ્ર સચિવાલયમાં ખળભળાટ મચી ગયો હતો. સરકારે નક્કી કરેલી ટ્રાન્સફર પોલિસીનો સરેઆમ ભંગ કરીને મનગમતા પોસ્ટિંગ મેળવવા માટે થયેલા મોટા વહીવટનો મામલો છેક મુખ્યમંત્રી સુધી પહોંચતાં, સરકાર દ્વારા આકરા પગલાં ભરવાની સાથે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો છૂટયા છે.

આર.એફ.ઓ.ની બદલીમાં રહેલા વહીવટો અંગે તપાસનીશ ટીમ દ્વારા આંગડિયા પેઢીઓમાં તપાસ કરવામાં આવતા ચોંકાવનારી લિંક સામે આવી રહી છે. આ સમગ્ર કૌભાંડનાં મૂળ સુધી પહોંચવા માટે નિમાયેલી ખાસ તપાસનીશ ટીમ દ્વારા ગુજરાતના અલગ-અલગ મુખ્ય શહેરોની જાણીતી આંગડિયા પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આંગડિયા પેઢીઓમાંથી નાણાકીય વ્યવહારોના એવા પુરાવા અને ચોંકાવનારી લિન્ક્સ મળી આવી છે જે સીધી વન વિભાગના ઊચ્ચ અધિકારીઓ તરફ ઈશારો કરે છે. આ લિન્કમાં અમુક ભ્રષ્ટ આરએફઓ, ડીસીએફ, સીએફ, સીસીએફની પૈસાની લેતીદેતીમાં સીધી કે આડકતરી સંડોવણીનો નિર્દેશ મળ્યાનું પણ વિશ્વસ્ત સૂત્રોમાંથી જાણવા મળે છે. આગામી દિવસોમાં વન વિભાગમાં 'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. તપાસનીશ ટીમ હાલમાં મળેલા મજબૂત પુરાવાઓના આધારે અંતિમ અહેવાલ તૈયાર કરી રહી છે.