Gujarat

વડોદરા-આણંદ-ગોધરા રેલવે વિભાગના વિકાસ કાર્યોની સમીક્ષા : સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને DRMની સૂચના

By GS TEAM
29 Apr 20262 mins read
TukuTouch Logo
વડોદરા વિભાગના DRM રાજુ ભડકે દ્વારા ગઈકાલે વડોદરા-આણંદ-ગોધરા રેલ વિભાગનું નિરીક્ષણ કરાયું હતું. આ દરમિયાન એમણે વિભાગના વિવિધ સ્ટેશનો પર ચાલી રહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કાર્યોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા-આણંદ-ગોધરા રેલવે વિભાગના વિકાસ કાર્યોની સમીક્ષા : સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને DRMની સૂચના

Vadodara : વડોદરા વિભાગના DRM રાજુ ભડકે દ્વારા ગઈકાલે વડોદરા-આણંદ-ગોધરા રેલ વિભાગનું નિરીક્ષણ કરાયું હતું. આ દરમિયાન એમણે વિભાગના વિવિધ સ્ટેશનો પર ચાલી રહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કાર્યોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી છે.

વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે DRMએ કરચિયા યાર્ડનું સંરક્ષા નિરીક્ષણ કરી બીટીપીએન વેગનોની ટૉપ ફિટિંગમાં વપરાતી સામગ્રી અને કર્મચારીઓ દ્વારા ઉપયોગ થતા વ્યક્તિગત સુરક્ષા સાધનો (PPE)નું પણ અવલોકન કર્યું હતું. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ માટે પૂરતી ઓઆરએસ સુવિધા ઉપલબ્ધ કરાવવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો.

આણંદ સ્ટેશન પર વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્ટેશન અપગ્રેડેશન યોજનાની સમીક્ષા કરી હતી, સાથે આણંદ–ગોધરા રેલ વિભાગ પર ચાલી રહેલા યાર્ડ મોડિફિકેશન કાર્યનું નિરીક્ષણ પણ કર્યું હતું. ઓડ અને ડાકોર સ્ટેશનો પર નવી લૂપ લાઇનના કમિશનિંગ કાર્યની પ્રગતિ અંગે પણ અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા કરી હતી. 

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીક સીટી કોર્પોરેશન લિમિટેડના વણકબોરી તાપ વિદ્યુત મથકના ટીએસપીડબ્લ્યુ સાઇડિંગની પણ મુલાકાત લીધી હતી. અહીં મુખ્ય ઇજનેર પી.બી.પટેલ દ્વારા વેગન ટિપ્લરના સંચાલન તથા કોલ હેન્ડ્લિંગ પ્લાન્ટમાં વેગન ટિપ્લર 1 થી 5ના ચાલી રહેલા નવીનીકરણ અને આધુનિકીકરણ કાર્ય અંગે વિગતવાર માહિતી આપવામાં આવી. રાખ (Ash)ના ઉપયોગ અને વ્યવસ્થાપન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

આ દરમિયાન ગોધરા સ્ટેશનનું નિરીક્ષણ કરી અધિકારીઓને સ્વચ્છતા જાળવવા માટે સૂચના આપી છે. ચાંપાનેર રોડ સ્ટેશન પર લોડિંગ-અનલોડિંગ માટે નિર્માણ થઈ રહેલા ગુડ્સ પ્લેટફોર્મની કામગીરીની પ્રગતિ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર જાણકારી મેળવી હતી.

ભડકેએ તમામ સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સુરક્ષા, ગુણવત્તા અને સમયબદ્ધતા-આ ત્રણ બાબતોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે, જેથી રેલ સંચાલનને વધુ સુરક્ષિત અને અસરકારક બનાવી શકાય.