Get The App

ઉંદરાના નિવૃત્ત આચાર્ય સાથે એસબીઆઈની 'યોનો' એપના બહાને રૂ. 1.56 લાખનું ફ્રોડ

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
ઉંદરાના નિવૃત્ત આચાર્ય સાથે એસબીઆઈની 'યોનો' એપના બહાને રૂ. 1.56 લાખનું ફ્રોડ 1 - image

- ગઠિયાએ 'એપમાં કોઈ તકલીફ નથી ને' તેમ કહી લિંક ઓપન કરાવી 

- ગઠિયાએ વિશ્વાસમાં લેવા મોબાઇલ ધારકને વીડિયો કોલ પણ કર્યો, મહુધા પોલીસે સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધી

નડિયાદ : મહુધા તાલુકાના લેહરીપુરા તાબે ઉંદરા ગામના નિવૃત્ત આચાર્ય સાથે સાયબર ગઠિયાએ 'એસબીઆઈની યોનો એપમાં કોઈ તકલીફ નથી ને' તેમ કહી લિંક ઓપન કરાવી રૂ.૧,૫૬,૫૦૦ની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મહુધા તાલુકાના લહેરીપુરા તાબે ઉંદરામાં નિવૃત્ત આચાર્ય જશવંતભાઈ મોહનભાઈ પરમાર પરિવાર સાથે રહે છે. તા.૧૦-૧-૨૬ના રોજ જશવંતભાઈના મોબાઈલ પર એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. જેમાં મોબાઈલ ધારકને ફોન કરનારે પોતાની ઓળખ એસબીઆઈના બેંકના કર્મચારી તરીકે આપી હિન્દી ભાષામાં વાત કરતા જણાવ્યું હતું કે, 'તમારી યોનો એપમાં કોઈ તકલીફ છે?' કહેતા મોબાઈલ ધારકે એપ્લિકેશન ડાઉનલોડ થતી નથી તેમ જણાવતા ગઠિયાએ વિશ્વાસમાં લેવા માટે મોબાઇલ ધારકને વીડિયો કોલ કર્યો હતો, જેમાં બેંકનો લોગો બતાવ્યો હતો. ત્યારબાદ તેણે એક એપીકે ફાઈલ મોકલી તેમાં આપેલી લિંક પર ક્લિક કરવા જણાવ્યું હતું. જેથી મોબાઈલ ધારકે લિંક ઓપન કરતા જ તેમના ફોન પર ઓટીપી આવવા લાગ્યા હતા અને થોડી જ વારમાં તેમના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નડિયાદ મુખ્ય બ્રાન્ચમાંથી ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. ૮૬,૫૦૦ જ્યારે બેંક ઓફ બરોડા, મહોળેલ શાખામાંથી રૂ.૭૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૫૬,૫૦૦ કપાઈ ગયા હતા.

આ અંગે વાત કરતા શરૂઆતમાં છેતરપિંડી કરનારે મોબાઈલ ધારકને 'તમારા પૈસા ભૂલથી કપાયા છે, જે બીજા દિવસે પરત આવી જશે' તેમ જણાવ્યું હતું. પરંતુ મોબાઈલ ધારકના બેંક ખાતામાં બીજા દિવસે નાણાં પરત આવ્યા ન હતા. જેથી આ બાબતે જસવંતભાઈ મોહનભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા મહુધા પોલીસે સાયબર ક્રાઈમનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

બેંક ખાતેદારોએ કોઈ અજાણ્યો ફોન આવે તો લિંક ઓપન ન કરવી

મોબાઈલ ઉપર કોઈપણ અજાણી વ્યક્તિનો ફોન આવે તો તેના કહેવાથી મોબાઈલમાં લિંક ઓપન ન કરવી કે એપીકે ફાઈલ ડાઉનલોડ ન કરવી. બેંક દ્વારા ક્યારેય ખાતેદારોને કોઈ મેસેજ કે લિંક મોકલવામાં આવતી નથી. જેથી ઓનલાઇન ફ્રોડથી બચવા બેંક ખાતેદારોએ સાવધાન રહેવું જરૂરી છે.