- ચુડાનો જવાન 8 મહિના પહેલા જ નિવૃત થયો હતો
- કેન્ટીનનો દારૂ લઇ આણંદ જતી વખતે સાયલા મિત્રને મળવા રોકાયો'ને પોલીસની ઝપટે ચડયો
સાયલા : સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ તરફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે એક શંકાસ્પદ કારને અટકાવવામાં આવી હતી. આ કારની તલાશી લેતા પાછળની ડેકીમાં રાખેલી સૂટકેસ અને થેલામાંથી દારૂની ૪૦ બોટલો મળી આવી હતી.
પોલીસે રૂ. ૧,૨૨,૫૦૦ ની કિંમતનો દારૂ અને રૂ. ૫ લાખની કાર મળી કુલ રૂ. ૬,૨૨,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યોે છે. પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સની પુછપરછ કરતા પ્રવીણભાઈ જેસીંગભાઇ રોજાસરા (રહે. કોરડા, તા. ચુડા) તરીકે થઈ છે, જે આઠ મહિના પહેલા જ આર્મીમાંથી નિવૃત્ત થયા છે.
પૂછપરછમાં બહાર આવ્યું છે કે, નિવૃત્ત આર્મીમેન પ્રવીણભાઈ અલગ-અલગ આર્મી કેન્ટીનમાંથી આ દારૂનો જથ્થો લાવ્યા હતા અને પોતાના વતનથી આણંદ તરફ જઈ રહ્યા હતા. સાયલામાં પોતાના મિત્રને મળવા આવતા સમયે જ તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. નિયમ મુજબ તેઓ પોતાની પાસે માત્ર પાંચ બોટલ રાખવાની પરમિટ ધરાવે છે, પરંતુ તેમની પાસે ૪૦ બોટલોનો જથ્થો હતો અને તે સમયે તેમની પાસે પરમિટ પણ ઉપલબ્ધ ન હતી. વગર પાસ-પરમિટ આટલો મોટો જથ્થો રાખવા બદલ સાયલા પોલીસે ગુનો નોંધી, આ દારૂ કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.


