- મધ્ય પૂર્વના દેશોમાં યુદ્વ વચ્ચે મોંઘવારીનો વધુ એક માર
- ગત વર્ષે કિલોના 280 પ્રતિ કિલોએ ભાવ હતા, જે સિઝન શરૂ થતાં કિલોના ૩૫૦થી વધીને હવે ૪૦૦એ પહોંચ્યો
ધ્રાંગધ્રા : મિડલ ઈસ્ટના દેશોમાં યુદ્વના કારણે તણાવની સ્થિતિને લઈ જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં ભાવમાં પણ વધારો થયો છે. ત્યારે ધ્રાગધ્રા તાલુકામાં લાલ મરચાના ભાવમાં કિલોએ રૂ, ૫૦નો તોતિંગ વધારો થતાં ગૃહિણીઓના બજેટને અસર થઇ છે.
હાલ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય પંથકના બારેમાસ માટે મરચું ભરવાની સિઝન શરૂ થઈ છે. મરચાની સિઝન શરૂ થતા જ ગયા વર્ષ કરતા આ વર્ષે મરચાના ભાવમાં વધારો થયો હતો. તેવામાં મરચાની સિઝન હજુ તો મધ્યે પહોંચી ત્યાં ફરી એક વખત ભાવ વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. ગયા વર્ષે જે મરચાના ભાવ રૂ.૨૮૦ પ્રતિ કિલો હતા તે આ વર્ષે સિઝન શરૂ થતા જ રૂ.૩૫૦ અને હવે તેમાં પણ વધુ રૂ.૫૦ નો વધારો થતા રૂ.૪૦૦ પ્રતિ કિલો મુજબ વેચાણ થાય છે એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે લાલ મરચામાં અત્યાર સુધી લગભગ ૮૦%નો ભાવ વધારો જોવા મળ્યો છે.
જેમાં દર વર્ષની સિઝન કરતા આ વર્ષે મરચાના ધંધામાં પણ મંદીનો માહોલ છે. ત્યારે સતત વધતા ભાવને લીધે ગ્રાહકો હવે મરચાના ભાવ ઓછા થવાની રાહમાં બેઠા છે ત્યારે હવે ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓમાં પણ મોંઘવારીએ ભરડો લેતા ગરીબ અને મધ્યમ વર્ગ પર સૌથી વધુ ભાર પડી રહ્યો છે.


