Gujarat

કારણો કોઇપણ ચુકાદાના હૃદયના ધબકારા હોય છેઃ હાઇકોર્ટ

By GS Team
1 Mar 20222 mins read
This article was originally published on 1 Mar 2022
કારણો કોઇપણ ચુકાદાના હૃદયના ધબકારા હોય છેઃ હાઇકોર્ટ

અમદાવાદ, મંગળવાર

ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના આદેશમાં નોંધ્યું છે કે કોર્ટ દ્વારા અપાતા દરેક નિર્ણય સાથે તેની સાથે જોડાયેલા કારણો જણાવવા પણ જરૃરી છે. આ કારણો કોઇપણ નિર્ણયના હૃદયના ધબકારા સમાન હોય છે. કોર્ટમાં આવનારા દરેક પક્ષકારોને હક છે કે તેમની માંગણીનો સ્વીકાર કે અસ્વીકાર થવાના કારણો તેમને જણાવવામાં આવે. ભરૃચ જિલ્લાની નીચલી અદાલત સમક્ષ ૧૫ વર્ષ બાદ થયેલી અપીલમાં નીચલી અદાલતે વિલંબ માફ કરતા આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જો કે હાઇકોર્ટે નીચલી અદાલતના ચુકાદાને માન્ય રાખ્યો છે પરંતુ કારણો અંગે આ અવલોકનો કર્યા છે અને જિલ્લા કોર્ટોના જજોને પણ ચુકાદાની નકલ પહોંચાડવા રજિસ્ટ્રીને નિર્દેશ આપ્યો છે.


આ કેસની વિગત એવી છે કે ભરૃચ જિલ્લાના આમોદમાં એક દીવાની વિવાદમાં આમોદના સિવિલ જજે ૨૬-૮-૨૦૦૧ના રોજ ચુકાદો આપ્યો હતો. બન્ને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાથી સિવિલ જજે ચુકાદો અને ડીક્રી પાસ કર્યા હતા. જો કે સિવિલ કાયદા પ્રમાણે ચુકાદા અંગે અક્ઝિક્યુશન અરજી પણ ફાઇલ કરવામાં આવે છે. કાયદા પ્રમાણે એક્ઝિક્યુશન અરજી ફાઇલ કરવા માટે ૧૨ વર્ષનો સમય આપવામાં આવે છે. મૂળ અરજદારે લગભગ  ૧૫ વર્ષથી એક્ઝિક્યુશન અરજી ફાઇલ ન કરી હોવાથી તેમણે ૨૦૧૬માં વિલંબ માફીની અરજી કરી હતી અને રજૂઆત કરી હતી કે બે વર્ષ અને પાંચ મહિનાનો વિલંબ માફ કરવામાં આવે. ભરૃચના એપલેટ જજે વિલંબ માફ કર્યો હતો. જેથી પ્રતિવાદીઓએ વિલંબ માફીને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

જેની સુનાવણીમાં જસ્ટિસ અશોકકુમાર સી. જોશી સમક્ષ પ્રતિવાદીઓએ અરજદાર તરીકે રજૂઆત કરી હતી કે બે વર્ષ પાંચ મહિનાનો વિલંબ માફી કરી જિલ્લા કોર્ટના જજે ભૂલભરેલો આદેશ આપ્યો છે. આ ઉપરાંત વિલંબમાફીના કોઇ કારણો પણ અપાયા નથી. જેથી સામે પ્રતિવાદીઓએ અને કેસના મૂળ અરજદારોની રજૂઆત હતી કે મૂળ અરજદારનું અવસન થયું છે અને તેમના પત્ની કાયદાકીય આંટીધૂંટીથી વાકેફ નથી. તેથી આટલો વિલંબ થયો છે. ઉપરાંત વિલંબમાફીની અરજીમાં કારણો દર્શાવાયા હતા, જેને જિલ્લા જજ દ્વારા યોગ્ય ગણાવાયા છે. જો કે હાઇકોર્ટે જિલ્લા જજના નિર્ણયમાં કોઇ હસ્તક્ષેપ  ન કરવાનું વલણ અપનાવ્યું છે પરંતુ ન્યાયિક આદેશોમાં કારણો તેનું સત્વ હોય છે તેવી નોંધ પણ કરી છે. જસ્ટિસ જોશીએ નોંધ્યું છે કે કોર્ટના આદેશ સામે અપીલ કરવાનો દરેક પક્ષકારને અધિકાર હોય છે. તેથી કોર્ટનો અભિપ્રાય શું હતો તે પક્ષકારો જાણી શકે તો જ અપીલની કાર્યવાહી અર્થપૂર્ણ બની શકે છે. કોર્ટ કારણોનો નાનો સારાંશ તો આપી જ શકે છે, જેથી ન્યાયનો હેતુ જળવાઇ રહે અને ન્યાયિક વિવેકબુદ્ધિનો પણ ઉપયોગ થઇ શકે.