Get The App

વડોદરામાં ફૂડ વિભાગનું આકસ્મિક ચેકિંગ : મોબાઇલ ટેસ્ટિંગવાનથી નમુનાઓ સ્થળ પર જ તપાસાયા

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં ફૂડ વિભાગનું આકસ્મિક ચેકિંગ : મોબાઇલ ટેસ્ટિંગવાનથી નમુનાઓ સ્થળ પર જ તપાસાયા 1 - image

Vadodara Food Safety : વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા તપાસવા માટે આકસ્મિક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 

શહેરના તરસાલી, નોવિનો રોડ, અલવાનાકા, માંજલપુર ગામ, વાઘોડિયા રોડ, સોમાતલાવ, આજવા રોડ, ન્યુ વીઆઈપી રોડ, બુદ્ધદેવ કોલોની, કારેલીબાગ, ફતેગંજ, ન્યુ સમા રોડ, નિઝામપુરા, ટી.પી.13, ગોત્રી, સ્ટેશન વિસ્તાર, વાસણા-ભાયલી રોડ, સનફાર્મા રોડ, વાડી, ચોખંડી, ખંડેરાવ માર્કેટ, વેરાઈમાતા ચોક તથા નવાપુરા-ખાટકીવાડ વિસ્તારોમાં ખાદ્યપદાર્થો સાથે જોડાયેલા યુનિટો પર કાર્યવાહી કરવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન કુલ 39 ખાદ્યપદાર્થો સાથે જોડાયેલા યુનિટોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કોર્ન ઓઈલ, કાશ્મીરી ચીલી પાવડર, હળદર પાવડર, હેરડા, તુવેર દાળ, ચણા દાળ, મગદાળ, મસૂર દાળ, અડદદાળ, વટાણા, મગની મોગર, મગ, બાજેઠીયા, રજવાડી મિક્સ, ઘઉંની સેવ, દેશી ચણા, ખારીસીંગ, ખજૂર, પનીર તેમજ રેડી-ટુ-ઈટ ફૂડમાં માઝા ફ્રૂટ ડ્રિંક, માર્ગેરીટા પીઝા, હવાઈયન પીઝા, સેન્ડવીચ, પ્લેન રાઈસ અને દાળ ફ્રાય સહિત કુલ 49 ખાદ્યપદાર્થોના નમુનાઓ લેવામાં આવ્યા હતા. આ તમામ નમુનાઓને વિશ્લેષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તે ઉપરાંત શહેરના ગોરવા આઇટીઆઈ પાસે આવેલા માર્ગ પર ખાદ્યપદાર્થો સાથે જોડાયેલા હોકર યુનિટોની પણ તપાસ કરવામાં આવી હતી. મોબાઇલ ટેસ્ટિંગવાન દ્વારા 12 હોકર યુનિટોમાંથી મરચા પાવડર, તેલ, ગ્રેવી અને લાલ ચટણી સહિત આશરે 30 જેટલા ખાદ્યપદાર્થોના નમુનાઓનું સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.