Get The App

રાજકોટ રેલવે સ્ટેશને અંધાધૂંધી વચ્ચે બાળકોને બારીઓમાંથી ટ્રેનમાં ધકેલાયાં

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટ રેલવે સ્ટેશને અંધાધૂંધી વચ્ચે બાળકોને બારીઓમાંથી ટ્રેનમાં ધકેલાયાં 1 - image

પુરૂષોત્તમ માસ અને વેકેશનમાં 'ઉધના-કાંડ'ની ભીતિ : 'ભીડ સામાન્ય હતી, ટ્રેન પણ ખાલી હતી છતાં મુસાફરોએ સીટ પકડવા ઉતાવળ કરી, : આવી સ્થિતિ પર હવે ધ્યાન રાખશું': રેલવેતંત્ર

રાજકોટ, : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન માટે નાણાકીય વર્ષ 2025-26 આર્થિક રીતે રેકોર્ડબ્રેક રહ્યું છે. એક વર્ષમાં રૂા. 2711 કરોડની અભૂતપૂર્વ આવક તો મેળવી લીધી છે, પરંતુ મુસાફરોની સુરક્ષા અને પાયાની સુવિધાઓના મામલે ફ્લોપ સાબિત થયું છે. હાલ પુરૂષોત્તમ માસમાં યાત્રાધામ દ્વારકા જનારા શ્રદ્ધાળુઓનો ભારે ધસારો હોવા છતાં રેલવે તંત્રની બેદરકારી અને આયોજનના અભાવે રાજકોટ રેલવે સ્ટેશન પર ગમે ત્યારે સુરતના ઉધના સ્ટેશન જેવી અફરાતફરી અને માનવ-નિમત આપત્તિ સર્જાવાનો ગંભીર ભય તોળાઈ રહ્યો છે. જો કે ડીઆરએમ ઓફિસ તરફથી 'સબ સલામત'નો દાવો કરાયો છે.

રાજકોટ રેલવે સ્ટેશન પરથી આજે એવા દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં દ્વારકા જતી ટ્રેનના સમયે હોહા દેકારો અને ધક્કામુક્કી વચ્ચે લાચાર મુસાફરો પોતાના માસૂમ બાળકોને ટ્રેનની બારીઓમાંથી અંદર ધકેલવા મજબૂર બન્યા હતા. જાગૃત સંગઠનો દ્વારા પુરૂષોત્તમ માસના મહાત્મ્યને ધ્યાનમાં રાખીને અગાઉ જ દ્વારકા જવા-આવવા માટે વધારાની ટ્રેનો શરૂ કરવા અને હાલની ટ્રેનોમાં જનરલ ડબ્બા વધારવા માટે ડીઆરએમને રજૂઆત કરવામાં આવી હતી. જો કે, અધિકારીઓ તરફથી દર વખતની જેમ 'ટ્રેનો તો રેલવે બોર્ડ ફાળવે, અમે નિર્ણય ન લઈ શકીએ..' તેવો જવાબ આપી દેવાયો હતો. બીજી તરફ આજની ઘટનામાં રેલવે પ્રશાસને જણાવ્યું કે, 'સ્ટેશન પર ભીડ સામાન્ય જ હતી. ટ્રેન પણ આખી ખાલી જ હતી. પરંતુ ટ્રેનના દરવાજાના લોક ખૂલે તે પહેલાં જ મુસાફરોએ સીટ લેવાની ઉતાવળમાં બાળકોને બારીમાંથી અંદર બેસાડવાનું શરૂ કરી દીધું હતું. આવી ઘટના બાબતે હવે ધ્યાન રાખવા સૂચના અપાઈ છે.' નોંધનીય છે કે, ગત એપ્રિલ મહિનામાં સુરતના ઉધના સ્ટેશન પર જે રીતે હજારો મુસાફરો સામે અપૂરતી ટ્રેનો હોવાને કારણે દુર્ઘટના સર્જાઈ હતી, તેમાંથી રાજકોટ રેલવે તંત્ર કંઈ શીખ્યું નથી. હવે આગામી શનિવાર અને રવિવારે રજાના દિવસો હોવાથી સ્ટેશન પર ભીડ બમણી થવાની પૂરી શક્યતા છે. જો રેલવે પ્રશાસન હજુ પણ ઊંઘમાંથી નહીં જાગે અને તાત્કાલિક વધારાના કોચ કે સુરક્ષા બંદોબસ્ત નહીં મુકે તો રાજકોટ રેલવે સ્ટેશને પણ અનહોનીની શક્યતા નકારી શકાતી નથી.