Gujarat

ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ

By GS Team
7 Jul 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વાપીમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાતા, નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. જેના કારણે સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે અને સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી છે. જેમાં વાપીમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે.

Live Updates
7 Jul 2026 | 06:51 AM

છોટા ઉદેપુર: ભારે વરસાદમાં ઝાબ ગામનો કોઝવે ધોવાયો

છોટા ઉદેપુર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને પગલે પાવી જેતપુર તાલુકાના ઝાબ (પાણીબાર) ગામ પાસે આવેલો કોઝવે ટોકરવા કોતરના પૂરના પ્રવાહમાં ધોવાઈ ગયો છે. કોઝવેનો મોટો ભાગ તૂટી પડતાં બોરધા, નાની અમરોલ, સજૂલી અને દેગલા સહિતના અનેક અંતરિયાળ ગામોનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.

આ માર્ગ બંધ થવાના કારણે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નોકરીયાતો, ખેડૂતો અને દૂધ ઉત્પાદકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ સમસ્યાથી કંટાળીને ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ હવે માત્ર થીગડાં મારીને સમારકામ કરવાના બદલે અહીં કાયમી ધોરણે પાકો પુલ બનાવવાની ઉગ્ર માંગ કરી છે.

છોટા ઉદેપુર: ભારે વરસાદમાં ઝાબ ગામનો કોઝવે ધોવાયો
7 Jul 2026 | 06:05 AM

અમરેલીમાં ભારે વરસાદથી ઠેબી ડેમ ઓવરફ્લો

અમરેલીના ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદને પગલે ઠેબી ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં ડેમ ઓવરફ્લો થયો છે. પાણીની સપાટી જાળવવા માટે રાત્રે 2:30 કલાકે ડેમના 6 દરવાજા 0.70 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. જો કે, હાલ આવક ઘટતાં 2 દરવાજા ખુલ્લા રખાયા છે. તંત્ર દ્વારા અમરેલી, ફતેપુર, ચાપાથળ અને પ્રતાપપરા સહિતના નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

અમરેલીમાં ભારે વરસાદથી ઠેબી ડેમ ઓવરફ્લો
7 Jul 2026 | 05:44 AM

સુરતમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ જળમગ્ન

સુરત શહેરમાં સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રેલવે સ્ટેશન ગરનાળા સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર વાહનોના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા હતા.

બીજી તરફ, પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. આ વિકટ પરિસ્થિતિમાં ટ્રાફિક જામ હળવો કરવા માટે પાંડેસરા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સંકટમોચન બનીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે દક્ષેશ્વર ચાર રસ્તાથી લઈને બ્રિજ સુધીના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વચ્ચે પણ પ્રશંસનીય કામગીરી કરી ટ્રાફિક નિયમન હાથ ધર્યું હતું.

સુરતમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ જળમગ્ન
7 Jul 2026 | 04:34 AM

હવામાન વિભાગનું રેડ અને ઓરેન્જ ઍલર્ટ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાતમી જુલાઈએ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નર્મદા, ભરૂચ, અમરેલીમાં ઓરેન્જ ઍલર્ટ. આઠમી જુલાઈ (આવતીકાલે)એ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ ઍલર્ટ છે.

7 Jul 2026 | 04:34 AM

સલામતીના પગલે સુરત-નવસારીની શાળા-કોલેજોમાં રજા જાહેર

ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સલામતી માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.સુરત મહાનગરપાલિકા અને જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારની શાળાઓમાં મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ રજા રાખવા અંગેનો નિર્ણય આચાર્યશ્રીઓએ લેવાનો રહેશે. જ્યારે નવસારીની તમામ શાળા તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર કરી દેવામાં આવી છે. 

7 Jul 2026 | 04:33 AM

વાપીમાં સૌથી વધુ 8.56 ઇંચ વરસાદ વરસ્યો

રાજ્યમાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં નોંધાયો છે. વરસાદના આંકડા મુજબ વાપીમાં સૌથી વધુ 8.58 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ કામરેજમાં 6.46 ઇંચ, પારડીમાં 6.34 ઇંચ, ઉમરગામમાં 6.26 ઇંચ, ઘોઘામાં 6.14 ઇંચ, નાનાપોંઢામાં 5.91 ઇંચ અને કપરાડામાં 5.79 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં સતત વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

વાપીમાં સૌથી વધુ 8.56 ઇંચ વરસાદ વરસ્યો