Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે આજે (30મી મે) હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પગલે આજે વહેલી સવારથી જ અરવલ્લી તેમજ મહીસાગર જિલ્લામાં કાળાડિબાંગ વાદળો સાથે વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયના બફારા બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં જ સમગ્ર પંથકના તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો હતો અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ!
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, મોડાસા, માલપુર અને ભિલોડા તાલુકા સહિત પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી પંથકમાં પણ વહેલી સવારથી વરસાદ તૂટી પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો માલપુર નગર ઉપરાંત ભિલોડાના વાશેરાકંપા અને સુનોખ તેમજ મોડાસાના ઇસરોલ, જીતપુર અને જીવણપુર પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં પારો સતત ઊંચો રહેતો હતો અને લોકો અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠ્યા હતા, ત્યારે આ વરસાદે લોકોને મોટી શાતા આપી છે.
આ પણ વાંચો: 50 કિ.મી.ની ઝડપે પવન, ભારે વરસાદની આગાહી: ગુજરાતનાં અનેક જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ
મહીસાગરના લુણાવાડા સહિત ગ્રામીણ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ
મહીસાગર જિલ્લામાં પણ આજે વહેલી સવારથી આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા, જે બાદ કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. જિલ્લા મથક લુણાવાડા શહેર ઉપરાંત તેના ગ્રામીણ વિસ્તારોમાં હાલમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડા સિવાય મહીસાગર જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા કે ખાનપુર, સંતરામપુર અને કડાણા (ગોધર) પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં શરૂ થયા છે. આ વિસ્તારોમાં પણ અસહ્ય ઉકળાટ અને ગરમીનું પ્રમાણ ઘટી જતાં વાતાવરણ આહલાદક બની ગયું છે.
હિંમતનગર અને વડાલી પંથકમાં વરસાદ
સાબરકાંઠા જિલ્લાના હવામાનમાં પણ અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલા લોકોને આજે મેઘાવી માહોલ સર્જાતા મોટી રાહત મળી છે. આજે હિંમતનગર અને વડાલી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદના હળવા છાંટા પડવાનું શરૂ થયું હતું.
હિંમતનગર શહેરમાં ભારે ઉકળાટ બાદ પડેલા આ વરસાદી છાંટાના કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લાના અનેક ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ બનેલું છે, જેને પગલે સ્થાનિક રહીશોને કાળઝાળ ગરમીમાંથી બહુ મોટી શાતા મળી છે. હવામાનમાં આવેલા આ અચાનક પલટાથી વાતાવરણ આહલાદક બની ગયું હતું.


