Gujarat

પેથાપુરમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઉપર દરોડો : મહિલા સહિત ૧૬ ઝડપાયા

By GS TEAM
26 Nov 20252 mins read
પેથાપુરમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઉપર દરોડો : મહિલા સહિત ૧૬ ઝડપાયા

બહારથી જુગારીઓને બોલાવીને બોર્ડ ચલાવાતું હતું

જુગાર રમાડનાર મુખ્ય સૂત્રધારને પકડી ૩.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જૈન દેરાસર પાસેના એક રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને મકાન માલિક અને એક મહિલા સહિત કુલ ૧૬ શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા છે અને કુલ ૩,૯૩ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરીને જુગારધામ ઉપર દરોડા પાડી રહી છે. પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પેથાપુર ગામમાં નિશાળ ફળિયામાં રહેતો પ્રતીક સુરેશભાઈ ચૌહાણ બહારથી માણસો બોલાવીને પોતાના ઘરમાં જુગારનો અડ્ડો ચલાવે છે. આ બાતમીને આધારે પોલીસ ટીમે અહીં દરોડો પાડયો હતો અને મકાનના ઉપરના માળે જુગારધામ મળી આવ્યું હતું. પોલીસને જોઈ જુગારીઓ ચોકી ઉઠયા હતા. જો કે પોલીસે મુખ્ય સૂત્રધાર પ્રતિક તેમજ એક મહિલા સહિત ૧૬ જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા જેમની પાસેથી દાવ ઉપરના ૨૨ હજાર રોકડા અંગ જડતીમાંથી ૩.૩૦ લાખ અને આઠ મોબાઇલ મળી ૩.૯૩ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. આ જુગારીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝડપાયેલા જુગારીઓમાં દહેગામ સાણોદાના ચંદ્રકાંત મણીલાલ પટેલ, વેજલપુર અમદાવાદના હરદીપસિંહ ભરતસિંહ પરમાર, ઘોડાસર અમદાવાદના કેતન શાંતિલાલ સુથાર, નરોડા રાજદિપ સોસાયટીના ગૌરાંગ વિષ્ણુભાઈ શાહ, પેથાપુર શેરી નંબર ૨ ખાતે રહેતા હીનાબેન સૂર્યકાંતભાઈ પટેલ, વસ્ત્રાલ ક્રિસ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા ચંદ્રેશ બુધાભાઈ પટેલ, દાતા હડાદ ગામના અમૃતભાઈ રૃપાભાઈ પ્રજાપતિ, અમૃતભાઈ ગણેશભાઈ પ્રજાપતિ , કોલવડાના વી.ડી વાઘેલા, અંગાડી ખેડાના શૈલેષ નવનીતભાઈ પટેલ, બાવળાના મુકેશ સુરાભાઈ રાતડીયા, મકરબાના નિકુંજ ગોવિંદભાઈ પટેલ, દહેગામ ઝાકના રવજીભાઈ કાંતિભાઈ ઠાકોર, સરદારનગરના નિતેશ મોહનલાલ આહુજા, વાડજના ગોપાલ ઝીણાભાઈ ગરીયાનો સમાવેશ થાય છે.

જુગારના બોર્ડમાંથી મોટી રકમ પોલીસે સેરવી લીધાની ચર્ચા

પેથાપુરના મકાનમાંથી ઝડપાયેલા હાઈ પ્રોફાઈલ જુગાર ધામમાં એક લાખનું બોર્ડ રાખવામાં આવ્યું હતું. જોકે દાવ ઉપર ૧૨ લાખ રૃપિયા હતા પરંતુ પોલીસે દરોડો પાડીને જુગારીઓ પાસેથી મોબાઇલ સહિત કુલ ૩.૯૩ લાખનો મુદ્દામાલ જ બતાવ્યો છે. જેથી બોર્ડ ઉપર રહેલી મોટી રકમ પોલીસ દ્વારા સેરવી લેવામાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. એટલું જ નહીં ઝડપાયેલા જુગારીઓને છોડવા માટે પણ પાંચ લાખ કરતાં વધારેની રકમ વહેવાર પેટે લેવામાં આવી હોવાની પણ ચર્ચા ખુદ પોલીસ બેડામાં ચાલી રહી છે.