અમદાવાદ,મંગળવાર
ઠક્કરનગરમાં બહેન ઉપર ચાકુથી હુમલો કરવા જતાં મોટાભાઇ બચાવવા વચ્ચે પડયા હતા જેથી આરોપી નાનાભાઇએ ચાકુના ઘા મારીને મોટાભાઇની હત્યા કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહેને નાનાભાઇને કલર કામમાં મદદ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી બહેન અને નાનાભાઇ વચ્ચે તકરાર થઇ હતી આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે આરોપી સામે ખૂનનો ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
તું વચ્ચેથી સાઇડમાં થઇ જા નહી તો તને ચાકુ મારીશ કહી પેટમાં ઘા માર્યા, કૃષ્ણનગર પોલીસે ખૂનનો ગુનો નાંેધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
ઠક્કરનગરમાં ઉમિયા આઇસ ફેકટરી પાસે રહેતી મહિલાએ દિયર સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પતિ કલરકામ કરતા હતા. તા.૩૧-૦૧-૨૬ના રોજ પતિ-પત્ની ઘરના પતરાને કલર કરી નીચે જમવા આવ્યા હતા. ત્યારે ફરિયાદીની નણંદે આરોપી નાનાભાઈને ઠપકો આપતા કહ્યું કે તું મોટા ભાઈને કલર કામમાં કેમ મદદ કરતો નથી. જેથી તે ઉશ્કેરાઈને બહેન સાથે તકરાર કરીને ચાકુ લઈને બહેન પર હુમલો કરવા દોડયો હતો.
ફરિયાદીના પતિ વચ્ચે પડયા હતા જેથી આરોપીએ ધમકી આપી કે, તું વચ્ચેથી સાઇડમાં જા નહિ તો તને ચાકુ મારી દઈશ. ઉશ્કેરાઇને આરોપીએ મોટાભાઇને પેટ અને હાથના ભાગે ચાકુના ઘા મારી હુમલો કરતાં લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘાયલને ત્રણ હોસ્પિટલ બદલવી પડી હતી. આખરે સારવાર દરમિયાન ફરિયાદીના પતિનું મોત થયું હતું.


