ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા
સરગાસણની ટીપી ૯માં રિઝર્વ પ્લોટમાં પાકગને બદલે હેલ્થ સેન્ટર બનાવવા સહિતની પાંચ દરખાસ્ત મંજૂર
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વર્ષ ૨૦૧૧થી મિલકત વેરો
વસૂલવામાં આવી રહ્યો છે પરંતુ ઘણા રહેણાંક અને કોમશયલ એકમો દ્વારા વર્ષોથી વેરો
નહીં ભરવામાં આવ્યો હોવાની વિગતો પણ બહાર આવી રહી હતી ત્યારે મહાનગરપાલિકા દ્વારા
આ બાકી રકમ વસૂલવા માટે મિલકત ધારકો માટે અમદાવાદ કોર્પોરેશનની જેમ વ્યાજ માફી
યોજના અમલમાં મૂકી હતી અને ૩૧ માર્ચ સુધીમાં વેરો ભરનારને રહેણાંકમાં ૧૦૦ ટકા અને
કોમશયલમાં ૫૦ ટકાની વ્યાજ માફી આપવામાં આવી હતી ત્યારે આજે મેયર મીરાબેન પટેલના
અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં આ દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી. છેલ્લા
૧૫ દિવસ દરમિયાન ગાંધીનગર શહેરમાં આ વ્યાજ માફી યોજનાનો ૨,૫૧૩ લોકોએ લાભ
લીધો હતો અને ૧.૯૨ કરોડ રૃપિયાનો વેરો ભરાયો હતો. જેમાં ૩૫.૭૪ લાખ રૃપિયાનું વ્યાજ
માફ કરવામાં આવ્યુ હતું.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે, આ યોજનાથી ગાંધીનગરના મિલકતધારકોને અંદાજે ૩૩ કરોડ જેટલી માતબર રકમના વ્યાજમાંથી મુક્તિ મળશે. મિલકત વેરા ઉપરાંત, સામાન્ય સભામાં શહેરના આયોજન અંગે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ-૯માં ફાઇનલ પ્લોટ નં. ૧૫૮, જે અગાઉ પાકગ માટે અનામત રાખવામાં આવ્યો હતો, તેનો હેતુ બદલવામાં આવ્યો છે. હવે આ પ્લોટ પર નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગ સેન્ટર અને અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે. જાન્યુઆરીમાં ટાઉન પ્લાનિંગ કમિટીએ આપેલી આ દરખાસ્તને સામાન્ય સભાએ મંજૂરી આપી છે. નોંધનીય છે કે આ બેઠકમાં કુલ ૫ જેટલા એજન્ડાઓને બહુમતીથી પસાર કરવામાં આવ્યા હતા.


