૧૨૦
કરોડનો બાકી વેરો વસૂલાત માટે મહાનગરપાલિકાની કાર્યવાહી
૪૫૦થી
વધુ સરકારી કચેરીએ પણ વેરો ભર્યો નથી ઃ વેરો નહીં ભરનાર મિલકતના પાણીના કનેક્શન સુદ્ધા કાપી નાખવાની મનપાની
તૈયારી
સુરેન્દ્રનગર -
સુરેન્દ્રનગરમાં ૧૨૦ કરોડનો બાકી વેરો વસૂલાત માટે મહાનગરપાલિકાએ
વેરો ન ભરનાર ૫૦ આસામીઓની મિલ્કત સીલ કરી છે. તેમજ ૨,૨૦૦ બાકીદારોને
નોટિસ ફટકારી છે. જોકે, વેરો નહીં ભરનારમાં સરકારી કચેરીઓ પણ
સામેલ છે. ૪૫૦થી વધુ સરકારી કચેરીએ પણ વેરો ભર્યો નથી. વેરો નહીં ભરનાર મિલકતના પાણીના કનેક્શન સુદ્ધા કાપી નાખવાની મનપાએ ચીમકી
ઉચારી છે.
માર્ચ
મહિનો નજીક આવતાની સાથે જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બાકી લેણાં વસૂલવા માટે 'એક્શન મોડ' માં આવી ગઈ છે. શહેરના રહેણાંક અને કોમશયલ વિસ્તારોમાં અંદાજે રૃ. ૧૨૦
કરોડ જેટલી મોટી રકમનો મિલકત વેરો બાકી હોવાથી તંત્ર દ્વારા કડક હાથે વસૂલાત શરૃ
કરવામાં આવી છે. પાલિકાના ટેક્સ વિભાગે અત્યાર સુધીમાં ૨,૨૦૦
જેટલા એકમોને નોટિસ ફટકારી છે અને પ્રથમ તબક્કામાં ૫૦ જેટલા એકમોને સીલ કરવાની
કામગીરી હાથ ધરતા વેપારીઓ અને રહીશોમાં ફફડાટ ફેલાયો છે.
મહાનગરપાલિકાના
ટેક્સ અધિકારી મહોબતસિંહ પરમારના જણાવ્યા અનુસાર, ૨૨ જેટલી ટીમો બનાવીને સઘન તપાસ હાથ
ધરવામાં આવી છે. જોકે, આ બાકી લેણાંમાં ૪૫૦થી વધુ સરકારી
કચેરીઓનો પણ સમાવેશ થાય છે. જો માર્ચના અંત સુધીમાં વેરો નહીં ભરાય, તો મિલકત સીલ કરવા ઉપરાંત પીવાના પાણીના કનેક્શન કાપી નાખવા અને અન્ય
સરકારી સુવિધાઓ બંધ કરવા જેવી આકરી કાર્યવાહી કરવામાં આવશે.
ગણપતિ
ફાટસર વિસ્તારના મકાનધારકો વેરો ભરવા તૈયાર છતાં મનપા સ્વીકારતી નથી
ગણપતિ
ફાટસર વિસ્તારના અંદાજે ૩,૦૦૦ મકાનધારકો સામે ચાલીને વેરો ભરવા માંગે છે, પરંતુ
વઢવાણ કે સુરેન્દ્રનગરની મનપા કચેરી તેમનો ટેક્સ સ્વીકારવા તૈયાર નથી. આ વિસ્તાર
સુડાના કાર્યક્ષેત્રમાં આવતો હોવાનું બહાનું બતાવીને તંત્ર હાથ ઊંચા કરી દે છે.
સ્થાનિક રહેવાસી વિશાલ પરમારે જણાવ્યું કે, અમે દસ્તાવેજો
ધરાવીએ છીએ અને વેરો ભરવા તૈયાર છીએ, છતાં પાલિકા નાણાં લેતી
નથી. અમને ભય છે કે ભવિષ્યમાં આ વિસ્તારને ગેરકાયદે ગણાવી રાજકોટના જંગલેશ્વર જેવી
ડિમોલિશનની કાર્યવાહી ન થાય.


