Get The App

વર્ષો જૂની પાણી-ગટરની સમસ્યાઓને ઉકેલવા રજૂઆત

ચાર દરવાજામાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા પણ સૂચન કરાયું

શહેરના વોર્ડ નંબર ૧૪માં સમાવિષ્ટ સિટી વિસ્તારમાં

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
વર્ષો જૂની પાણી-ગટરની સમસ્યાઓને ઉકેલવા રજૂઆત 1 - image

વોર્ડ નંબર ૧૪માં જૂના સિટી વિસ્તારોમાં પાણી, ગટર, રોડ અને ટ્રાફિક જેવી પ્રાથમિક સુવિધાઓ મુદ્દે કોંગી કાઉન્સિલરો તથા કોંગ્રેસ ઉપપ્રમુખે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માગ કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે મહેતા પોળ, નાની છીપવાડ, મોટી છીપવાડ, બાજવાડા, દાંડિયા બજાર, રાવપુરા, વાડી વિસ્તાર, બરાનપુરા, ખારવાવાડ, ચુનારાવાડ, ઘડિયાળી પોળ, દત્તનગર, બાવરી કુંભારવાડા, પ્રતાપનગર તથા ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર નજીકના વિસ્તારો માં નાગરિકો લાંબા સમયથી પાણી અને ગટરની સમસ્યાઓથી પરેશાન છે.

એમણે ઉમેર્યું કે પાણીગેટ ટાંકી, જેલ રોડ ટાંકી અને ગાજરાવાડી પાણીની ટાંકીથી વિતરણ કરાતા પાણીમાં ઈયળ અને જીવાતો જોવા મળતા લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થાય છે. ઉપરાંત ખૂબ ઓછા પ્રેશરથી અને મર્યાદિત સમય માટે પાણી પુરવઠો મળતો હોવાના કારણે ગૃહિણીઓ ઘરના રોજિંદા કામમાં પહોંચી કેવી રીતે વળે એ જ પાયાનો પ્રશ્ન રોજ સવાર પડે ને બધા ઘરોમાં ખડો થઈ જાય છે.

આ ઉપરાંત, જૂની અને જર્જરિત ગટર લાઈનોના કારણે વારંવાર ગટર ચોકપ ગંદકી અને દુર્ગંધની સમસ્યાઓ ઉદ્ભવી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. સ્માર્ટ સિટિ યોજના હેઠળ આ વિસ્તારોને પ્રાથમિક્તા આપી પ્રાથમિક સુવિધાના કાયમી ઉકેલ માટે વિશેષ બજેટ ફાળવવાની પણ માગ કરાઈ છે.

વધુમાં, ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિકના વધતા ભારણને ધ્યાનમાં રાખી વન-વે વ્યવસ્થા અમલમાં મૂકવા, ધાર્મિક સ્થળોએ તહેવારો અને વિશેષ પ્રસંગોએ ટ્રાફિક પોલીસની તૈનાતી વધારવા તથા સવારે ૧૦ થી બપોરે ૧ અને સાંજે ૫ થી ૮ દરમિયાન મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પણ માગ કરાઈછે.