Gujarat

પોસ્ટકાર્ડે 157 વર્ષની ઐતિહાસિક સફર પૂર્ણ કરી: 1 ઑક્ટોબર 1869ના રોજ ઓસ્ટ્રિયામાં જારી થયું હતું વિશ્વનું પ્રથમ પોસ્ટકાર્ડ

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
આધુનિક યુગમાં પણ લાગણીઓને જોડતાં 'પોસ્ટકાર્ડ'ની વૈશ્વિક સફરને 1 ઑક્ટોબર 2026ના રોજ 157 વર્ષ પૂર્ણ થયા છે. 1 ઑક્ટોબર 1869ના રોજ ઓસ્ટ્રિયામાં પ્રથમ પીળું પોસ્ટકાર્ડ જારી થયું હતું. ભારતમાં 1879માં 3 પૈસામાં શરૂઆત થઈ. અમદાવાદમાં 1.11 કરોડ પોસ્ટકાર્ડ સાથે ગિનિસ વર્લ્ડ રૅકોર્ડ બન્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

પોસ્ટકાર્ડે 157 વર્ષની ઐતિહાસિક સફર પૂર્ણ કરી: 1 ઑક્ટોબર 1869ના રોજ ઓસ્ટ્રિયામાં જારી થયું હતું વિશ્વનું પ્રથમ પોસ્ટકાર્ડ

World Postcard Day 157 Years Journey 2026: ઘરના દરવાજે ટપાલીની દસ્તક અને હાથમાં પીળું-ભૂરું પોસ્ટકાર્ડ ક્યારેક સમગ્ર પરિવાર માટે ઉત્સુકતા અને ખુશીનો વિષય બનતું હતું. ટેલિફોન, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના આધુનિક યુગ વચ્ચે પણ લાગણીઓ અને સંબંધોને જોડતાં ઐતિહાસિક માધ્યમ એવા 'પોસ્ટકાર્ડ'ની વૈશ્વિક સફરને 1 ઑક્ટોબર 2026ના રોજ 157 વર્ષ પૂર્ણ થયા છે. વિશ્વનું પ્રથમ પોસ્ટકાર્ડ 1 ઑક્ટોબર 1869ના રોજ ઓસ્ટ્રિયામાં જારી કરવામાં આવ્યું હતું. પોસ્ટકાર્ડ માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ તે લગ્ન-પ્રસંગો, શુભકામનાઓથી લઈને દેશના વિવિધ આંદોલનો અને ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે.

ઓસ્ટ્રિયાથી શરૂ થઈ હતી સફર, પીળા રંગનું હતું પહેલું કાર્ડ

પોસ્ટકાર્ડનો વિચાર સૌપ્રથમ ઓસ્ટ્રિયાના પ્રતિનિધિ કોલ્બેનસ્ટાઇનરના મનમાં આવ્યો હતો. તેમણે આ વિચાર વિયેનર નોયસ્ટાડ્ટની મિલિટરી એકેડેમીના અર્થશાસ્ત્રના પ્રોફેસર ડૉ. એમેન્યુઅલ હર્મનને જણાવ્યો. પ્રોફેસર હર્મને 26 જાન્યુઆરી 1869ના રોજ અખબારમાં આ અંગે એક લેખ લખ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રિયાના પોસ્ટ મંત્રાલયે તુરંત અમલ કરીને 1 ઑક્ટોબર 1869ના રોજ પ્રથમ પોસ્ટકાર્ડ બહાર પાડ્યું હતું.

  • પ્રથમ કાર્ડનું કદ: વિશ્વનું પ્રથમ પોસ્ટકાર્ડ પીળા રંગનું હતું, જેનું કદ 122 મિલીમીટર લાંબું અને 85 મિલીમીટર પહોળુ હતું.
  • ડિઝાઇન: કાર્ડની એક તરફ સરનામું લખવાની જગ્યા અને બીજી બાજુ સંદેશ લખવા માટે ખાલી જગ્યા રાખવામાં આવી હતી.

ભારતમાં 1879માં શરૂઆત: કિંમત માત્ર 3 પૈસા હતી

ભારતમાં પોસ્ટકાર્ડની સફર વર્ષ 1879માં શરૂ થઈ હતી. હળવા ભૂરા રંગમાં છપાયેલા આ પ્રથમ પોસ્ટકાર્ડ પર ‘ઇસ્ટ ઇન્ડિયા પોસ્ટકાર્ડ’ લખેલું હતું અને તેની કિંમત માત્ર 3 પૈસા હતી.

  • કાર્ડની મધ્યમાં ગ્રેટ બ્રિટનનું રાજચિહ્ન અને ઉપરની જમણી બાજુએ લાલ-ભૂરા રંગમાં રાણી વિક્ટોરિયાનું મુખાકૃતિ ચિત્ર છપાયેલું હતું.
  • આ માધ્યમ એટલું લોકપ્રિય બન્યું કે શરૂઆતના માત્ર ત્રણ ત્રિમાસિક ગાળામાં જ આશરે 7.5 લાખ રૂપિયાના પોસ્ટકાર્ડ વેચાઈ ગયા હતા.

20 ડિસેમ્બર 2024થી તમામ શ્રેણીઓનું એકીકરણ

પોસ્ટ ઑફિસોમાં અગાઉ 4 શ્રેણીના પોસ્ટકાર્ડ ઉપલબ્ધ હતા

  • મેઘદૂત પોસ્ટકાર્ડ: 25 પૈસા
  • સામાન્ય પોસ્ટકાર્ડ: 50 પૈસા
  • મુદ્રિત પોસ્ટકાર્ડ: 6 રૂપિયા
  • સ્પર્ધાત્મક પોસ્ટકાર્ડ: 10 રૂપિયા
    તમામ પ્રકારના પોસ્ટકાર્ડને 20 ડિસેમ્બર 2024થી એકીકૃત કરીને હવે સિંગલ “પોસ્ટકાર્ડ” શ્રેણીમાં જ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં 1.11 કરોડ પોસ્ટકાર્ડ સાથે બન્યો હતો ગિનિસ વર્લ્ડ રૅકોર્ડ

ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારીતા વિભાગ તથા ટપાલ વિભાગના સંયુક્ત ઉપક્રમે ઑક્ટોબર 2025માં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અનોખું ‘ધન્યવાદ પોસ્ટકાર્ડ અભિયાન’ યોજાયું હતું. જેમાં નાગરિકોએ વડાપ્રધાન પ્રત્યે આભાર વ્યક્ત કરતાં 1.11 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખ્યા હતા. આ ભગીરથ પ્રયાસને કારણે પોસ્ટકાર્ડે વૈશ્વિક સ્તરે નવો ગિનિસ વર્લ્ડ રૅકોર્ડ સ્થાપિત કરીને જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.