Gujarat

ભાવનગર યુનિવર્સિટીનાં કુલ સચિવનું પદ લાંબા સમયથી ઈનચાર્જમાં

By GS TEAM
25 Apr 20262 mins read
ભાવનગર યુનિવર્સિટીનાં કુલ સચિવનું પદ લાંબા સમયથી ઈનચાર્જમાં

એક કાયમી અને બે ડેપ્યુટી અધિકારી હોવા છતાં

યુનિ.ના તમામ નિર્ણયોમાં કુલસચિવનું મહત્ત્વ હોય ઈનચાર્જમાં પણ ત્રણ ફાટા

ભાવનગર -  મ.કૃ. ભાવનગર યુનિવર્સિટીમાં કાયમી અને ડેપ્યુટી અધિકારી હોવા છતાં કુલ સચિવ જેવા મહત્ત્વના પદ માટે લાંબા સમયથી ઈનચાર્જમાં ગાડુ ગબડાવાઈ રહ્યું છે. જેથી જરૃરી નિર્ણયોમાં પણ વિલંબ થતો હોવાની રાવ ઉઠવા પામી છે. 

મ.કૃ. ભાવનગર યુનિવર્સિટીમાં અગાઉ કાયમી કુલપતિ નહોતા અને ઈનચાર્જથી ગાડુ સાડાત્રણ વર્ષ ગબડાવાયું અને માંડ કાયમી કુલપતિની નિમણુંક થઈ પરંતુ આ યુનિવર્સિટીમાં કાયમી કુલસચિવ અને બે ડેપ્યુટી રજીસ્ટ્રાર હોવા છતાં લાંબા સમયથી ઈનચાર્જ કામ ચલાવાઈ રહ્યું છે અને તેમાં પણ અધુરૃ હોય ઈનચાર્જના પણ ઈનચાર્જ સુધીની ત્રણ નિમણુંકો થઈ છે. આમ એક હોદ્દા માટે ત્રણ ત્રણ કર્મચારીને એક જ કામગીરીનું વિતરણ થવાથી  જરૃરી કાગળોમાં સહિઓ કરવી કે રીમાર્ક્સ આપવામાં પણ વિલંબ થતો હોય છે. જાજા રસોયા રસોઈ બગાડે તેવો ઘાટ ઘડાયો છે. જ્યારે કાયમી કુલસચિવ સામેના અક્ષેપો અને તપાસ વર્ષો બાદ પણ પૂર્ણ થઈ નથી અને પૂર્ણ પગારે માત્ર હાજરી પુરવા તેમને રખાતા અન્ય કામગીરી પણ તેમને સોપાઈ નથી. જ્યારે સામા પક્ષે ઈનચાર્જને વધારાનું મહેનતાણું યુની. ચુકવી રહી છે. ત્યારે ડબલ માર પડી રહ્યો છે. નવી જોગવાઈ મુજબ ઓ.એસ.ડી.ની પોસ્ટ રદ કરવામાં આવી હોવા છતાં યુનિ.ના વહિવટી ક્ષેત્રમાં એકેડેમીક, મહેકમ, પરીક્ષા અને ફાયનાન્સ વિભાગમાં ટીચીંગ સ્ટાફને જવાબદારી સોપવામાં આવી છે. જેનું સુચારૃ સંચાલન શક્ય છે. પરંતુ ચાર્જમા ંજ ગાડુ ગબડાવાનું હોય ત્યારે કામગીરી પર સીધી અસર પડી શકે છે. હાલ ઈનચાર્જ કુલસચિવ એક માસની રજા પર છે. ત્યારે જે તે સમયની ઈ.સી.માં થયેલ મનગમતા ઠરાવ મુજબ હાલ શા.શિ. નિયામકને ચાર્જ સોપાયો હતો અને તે પણ કોઈ કામ સબબ રજા પર હોય તો આ મહત્ત્વના હોદ્દાનો ચાર્જ બાંધકામ વિભાગના એન્જિનીયરને સોંપાય છે. આમ કુલસચિવનું પદ જાણે ધણીધોરી વગરનું હોવાનું ભાસી રહ્યું છે જેબાબતે યોગ્ય અને કાયમી ઉકેલ લાવવો જરૃરી બન્યો છે.