ફૂડ વિભાગનું ચેકિંગ મંદ છે ત્યારે પોલીસનું સઘન ચેકિંગ : ગામમાંથી એકઠાં કરાયેલા દૂધમાં ભેળસેળ કરીને તેનો જથ્થો, ફેટ વધારી નકલી દૂધનાં ઉત્પાદનની બાતમીના આધારે દરોડો
રાજકોટ, : રાજકોટમાં દૂધ અને દૂધની બનાવટ ઘી,પનીર વગેરેમાં અનેકવાર વ્યાપક ભેળસેળ પકડાતી રહી છે ત્યારે આજે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં રાજકોટ ગ્રામ્ય પોલીસના એસ.ઓ.જી.ની ટીમ દ્વારા દરોડો પાડીને 400 લિટર દૂધનો જથ્થો પકડી પાડયો હતો.
આ અંગે પી.આઈ. એફ.એ. પારગીએ જણાવ્યું કે બનાવટી દૂધના વેચાણકર્તાઓ સામે હાથ ધરાયેલી ઝૂંબેશ અન્વયે એવી બાતમી મળી હતી કે ઝાંઝમેરમાં દ્વારકાધીશ દૂધની ડેરીમાં ગામમાંથી એકઠાં કરાયેલા દૂધનો જથ્થો ખૂબ વધી જાય અને ફેટ પણ વધી જાય તેવી ભેળસેળ કરીને બનાવટી દૂધ બનાવાતું હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. ડેરી સંચાલક રાજુભાઈ ઉર્ફે રાહુલ દુદાભાઈ કસોટીયા અને સાગર દુદાભાઈ કસોટીયાને ત્યાં રહેલા દૂધના ફૂડ સેફ્ટી ઓફિસરને બોલાવીને નમુના લેવાયા છે જેના પૃથ્થકરણ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દૂધના અસંખ્ય નમુના નાપાસ થયેલા છે છતાં હાલ ચૂંટણી આચારસંહિતાના સમયમાં મનપા દ્વારા તેનું ચેકીંગ બંધ છે. દૂધના નમુના લેવાયા પછી આ અંગે સ્પષ્ટ નિયમો નહીં હોવાથી તેનું વેચાણ અટકાવવામાં આવતું નથી કે માલ સીઝ કરાતો નથી ત્યારે રિપોર્ટ આવ્યા સુધીમાં આ દૂધ નિર્દોષ ગ્રાહકો ખરીદી લેતા હોય છે.


