Get The App

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે... જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોંધ્યો

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે... જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોંધ્યો 1 - image

જામનગરની જિલ્લા જેલમાં ગઈકાલે જેલ સ્ટાફ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન એક સ્થળે બોક્ષમાં સંતાડેલો સીમકાર્ડ વગરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે કબજે કરી લઈ એફ.એસ.એલ. માં મોકલી આપ્યો છે, જયારે આ મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારા અજાણ્યા કેદી સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે, અને સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક ની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે, જામનગરની જિલ્લા જેલના ઇન્ચાર્જ ડ્યુટી જેલર અમીતભાઈ એમ. પીઠડીયા, અને તેઓની અન્ય ટિમ દ્વારા ગઈકાલે સવારે જિલ્લા જેલ ખાતે જેલ અધિક્ષક શ્રી પી.પી. પટેલ ની મૌખિક સૂચના મુજબ જેલની ઝડતી કરવામાં આવી હતી.

આ દરમ્યાન ઝડતી સ્ક્વોડના અમલદાર સુબેદાર ગોવિંદભાઈ એસ. વાવરોટીયા તથા સ્ટાફ સાથે જેલના યાર્ડ નં. 07 તથા તેના ખુલ્લા ભાગમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

જે તપાસ દરમિયાન યાર્ડ નં. 07ના ખુલ્લા ભાગમાં આવેલા પી.સી. ઓ. ના રૂમ પાછળના ભાગે ટેલિફોન બૂથના કનેક્શન બોક્સમાં છુપાવેલ હાલતમાં લાલ રંગનો મોબાઇલ ફોન (નંગ-01), સીમકાર્ડ વગર અને બેટરી સાથે ચાલુ હાલતમાં મળી આવ્યો હતો.

જે મોબાઇલ ફોન કબ્જે લઈ વધુ તપાસ અર્થે એફ.એસ.એલ.માં મોકલી તપાસ કરવામાં આવી રહી છે. તેમજ આ મોબાઇલનો ઉપયોગ કયા કયા આરોપીઓ દ્વારા કરવામાં આવેલ છે, અને તે દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃતિ કરવામાં આવી છે કે કેમ, તે બાબતે તપાસ હાથ ધરી છે

તદુપરાંત, આ પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર કેવી રીતે પ્રવેશી છે તથા તેમાં કોઈ જેલ કર્મચારી અથવા અન્ય વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે સીટી એ ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ એમ આર પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.