Get The App

વિદ્યાર્થી ગોવાથી મળી આવતા પોલીસે અપહરણના ગુનામાં સી સમરી રજૂ કરી

ગોવામાં ચાર દિવસમાં મિત્ર સાથે મોજશોખમાં એક લાખ ઉડાવ્યા હતા

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
વિદ્યાર્થી ગોવાથી મળી આવતા પોલીસે અપહરણના ગુનામાં  સી સમરી રજૂ કરી 1 - image

વડોદરા : પરિક્ષાનું ટેન્શન તેમજ માતા-પિતા દ્વારા ભણવા બાબતે નજીવો ઠપકો આપવામાં આવતા ઘરેથી ભાગી ગયેલો યુવક ગોવાથી મળી આવ્યા બાદ પોલીસે અપહરણના ગુનામાં સી સમરી રિપોર્ટ (કોઇ ગુનો બનતો નથી) કોર્ટમાં રજૂ કરતા અદાલતે આ રિપોર્ટ મંજૂર કર્યો હતો.પૂછપરછ દરમિયાન યુવકે ચાર દિવસમાં અંદાજે એક લાખ જેવી માતબર રકમ મોજશોખમાં ઉડાવી હોવાનું જણાયું હતું.

સોશિયલ મીડિયાના જમાનામાં ભૌતિક સુખ-સુવિધાઓ વચ્ચે ઉછરી રહેલી નવી પેઢીમાં સહનશક્તિનો કેટલો અભાવ છે તેનો અહેસાસ કરાવતો આ બનાવ વાલીઓ માટે પણ ચેતવણી સમાન છે. વડોદરાના પોશ વિસ્તારમાં રહેતો અને ધોરણ-૧૦માં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થીને તેના માતા-પિતાએ ભણવા બાબતે શિખામણ આપી ઠપકો આપ્યો હતો. જોકે, વાલીઓની આ સાચી સલાહ સગીરને માઠી લાગી હતી અને પરીક્ષાના ટેન્શનમાં ઉશ્કેરાઇને તે જાન્યુઆરી માસમાં કોઈને કહ્યા વગર ઘરેથી ફરાર થઈ ગયો હતો.

ઘરેથી નીકળતી વખતે આ સગીર પોતાની સાથે અંદાજે ૩ લાખ જેવી મોટી રકમ પણ લેતો ગયો હતો.  સગીર વયનો સંતાન અચાનક ગાયબ થઈ જતાં વાલીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. સગા-સંબંધીઓ અને મિત્રોને ત્યાં તપાસ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આખરે આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. નિયમ મુજબ સગીર ગુમ થાય ત્યારે અપહરણનો ગુનો નોંધાતો હોવાથી પોલીસે આ બનાવમાં પણ અપહરણનો ગુનો દાખલ કર્યો હતો.

સગીરે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હોવાથી તેનું લોકેશન મળતું ન હતું, જેના કારણે પોલીસને ભારે દોડધામ કરવી પડી હતી. ચાર દિવસ બાદ જ્યારે સગીરે પોતાનો મોબાઈલ શરૃ કર્યો ત્યારે તેનું લોકેશન ગોવા હોવાનું સ્પષ્ટ થયું હતું.  પોલીસની ટીમ તાત્કાલિક ગોવા પહોંચી હતી અને ત્યાંના એક બીચ પરથી આ સગીરને સુરક્ષિત રીતે શોધી કાઢયો હતો.પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે, સગીરની સાથે તેનો એક મિત્ર પણ હતો.

ગોવામાં ચાર દિવસમાં બન્નેએ રૃા.૧ લાખ જેવી રકમ મોજશોખમાં ઉડાવી દીધી હતી અને બાકીની રકમ વિદ્યાર્થી પાસેથી મળી આવી હતી.સગીરે કબૂલાત કરી હતી કે ભણવાનું ટેન્શન અને માતા-પિતાનો ઠપકો તેને લાગી આવતા તેણે આ આત્યંતિક પગલું ભર્યું હતું.આ સમગ્ર મામલે તપાસના અંતે કોઈ ગુનાહિત બનાવ બન્યો ન હોવાનું જણાતા પોલીસ દ્વારા વડોદરાની કોર્ટમાં સી' સમરી રિપોર્ટ રજૂ કરવામાં આવતા અદાલતે  આ રિપોર્ટ ગ્રાહ્ય રાખી કેસની કાર્યવાહી બંધ કરવાનો હુકમ કર્યો હતો.

 

(બોક્સ)

પરિક્ષાસમયે બાળકોની માનસિક સ્થિતિ સમજવી જરૃરી

આ કિસ્સો આજના વાલીઓ માટે આંખ ઉઘાડનારો છે. જ્યારે પણ સંતાનોને શિખામણ આપવામાં આવે ત્યારે તેમની માનસિક સ્થિતિ સમજવી અનિવાર્ય બની ગઈ છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ વધુ હોય છે, ત્યારે નાની અમથી રોક-ટોક તેમને ઘર છોડવા કે ખોટા રસ્તે જવા મજબૂર કરી શકે છે. સંતાનોના હાથમાં મોટી રકમ ન આવે અને તેઓ મોબાઈલ કે અન્ય માધ્યમોનો દુરુપયોગ ન કરે તે જોવાની જવાબદારી પણ વાલીઓની છે. શિખામણ આપતી વખતે સંવાદનું માધ્યમ કડક રાખવાને બદલે મિત્રતાભર્યું રાખવું અત્યંત જરૃરી છે.