Get The App

કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
કોયલીરોડ પર  એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ 1 - image

વડોદરાઃ ઉંડેરા-કોયલી રોડ વિસ્તારમાં લોકો ગેસ સિલિન્ડરની રાહ જોઇ રહ્યા હતા ત્યારે એજન્સીનો ડિલિવરીમેન વાહનોની આડમાં ટેમ્પોમાંથી ગેસ ચોરીને ખાલી સિલિન્ડરો રીફિલ કરવાનું કૌભાંડ આચરતો રંગેહાથ ઝડપાઇ ગયો હતો.

શહેરમાં ગેસ સિલિન્ડરના બેનંબરી કામો કરતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે પુરવઠા વિભાગની સાથે સાથે પોલીસ પણ એક્શનમાં આવી છે.જે દરમિયાન તાજેતરમાં ન્યુ વીઆઇપી રોડ પર ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયા બાદ એસઓજીએ આજે કોયલી રોડ પર સીએમ પટેલ ફાર્મહાઉસની પાછળથી વધુ એક ગેસ રીફિલિંગ કૌભાંડ ઝડપી પાડયું છે.

ગેસ રીફિલિંગની માહિતી મળતાં જ પીઆઇ જિગ્નેશ ગામીત અને ટીમે દરોડો પાડી હાઇટેન્શન લાઇનની નીચે એમ્બ્યુલન્સની આડમાં ડિલિવરી માટેના ૪૦ સિલિન્ડર લઇ નીકળેલા મહાલક્ષ્મી ગેસ એજન્સીના ડ્રાઇવર જિતેન્દ્ર ઉર્ફે દિનેશ નાનુભાઇ  બારીયા(પ્રણવ સોસાયટી,આજવારોડ મૂળ શીવરાજપુર, હાલોલ)ને ઝડપી પાડયો હતો.

પૂછપરછ દરમિયાન ડ્રાઇવરે રામદેવ ગેસ એજન્સીમાંથી સિલિન્ડરો લીધા હોવાની અને બે ગ્રાહકને ડિલિવરી આપી એક ગ્રાહકને બ્લેકમાં વેચ્યો હોવાની કબૂલાત કરી હતી. બીજા ભરેલા ૩૭ સિલિન્ડરમાંથી તે ખાલી પડેલા ત્રણ સિલિન્ડર ભરી રહ્યો હતો.જેથી પોલીસે ટેમ્પો,સિલિન્ડરો,ગેસ રીફિલિંગના સાધનો,વજનકાંટો,મોબાઇલ અને રોકડા રૃ.૫૯૦૦ કબજે કરી ધરપકડ કરી હતી.